માંડવા પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી મબલખ કમાણી કરી રહ્યો છે ખેડૂત

પ્રાંતિજમાં ખેડૂતે ર૦ લોકોને રોજી પૂરી પાડી-ગત વર્ષે ૧૦ લાખના ટામેટાં વેચ્યાં હતાં
હિંમતનગર, પ્રાંતિજના પોગલુના ખેડૂતે પોતાની આગવી સુઝબુઝથી શાકભાજીની ખેતીમાં માંડવા પદ્ધતિથી તેમજ ખેતીમાં ડ્રિપ ઈરીગેશન અને મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરી કાઠુ કાઢયું છે.
ખેડૂત હસમુખભાઈ પટેલે જણાવ્યું કે તેમણે કેમેસ્ટ્રીના વિષયમાં સ્નાતકની પદવી મેળવી છે અને રપ વીઘામાં તેમની પોતાની અને ભાડા પેટે જમીન રાખીને શાકભાજીની ખેતી કરે છે. હાલમાં તેમણે વૈલાવાળી શાકભાજીની માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબની ખેતી કરી છે. માંડવા બાંધવા માટે ટેકા અને તાર માટે એક વાર ખર્ચ કરવો પડે છે જે લગભગ પ વર્ષ સુધી તો ચાલે છે.
જેમાં ટામેટી, દુધી, કાકડી, કંકોડા જેવી વેલાવાળી શાકભાજી સાથે ડ્રાફટીંગ રીંગણ, વટાણા, મુળા અને ફુલાવરની ખેતી કરે છે તેમજ આ વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ છે. આ વખતે તેમણે ૬ વીઘા જમીનમાં ટામેટી, એક વીઘામાં રીંગણ, બે વીઘામાં કારેલી, એક વીઘામાં દુધી, એક વીઘામાં કાકડી, આ સિવાય અડધા વીઘા જમીનમાં કકોડા વાવ્યા છે.
ટુંક સમયમાં ડ્રાફટિંગ રીંગણ, ચાર વિઘા જમીનમાં ફુલાવર, એક વીઘામાં વટાણા, મૂળા જેવા વિવિધ શાકભાજી કરવાના છે. હાલમાં તેમણે પ્રાયોગીક ધોરણે અડધા વીઘા જમીનમાં કંકોડાની માંડવા પદ્ધતિથી ખેતી કરી છે.
જેમાં આંતરા દિવસે ર૦ થી રપ કિલો કંકોડા નીકળે છે. ટામેટામાંથી ગયા વર્ષે દસ લાખના ટામેટાનું વેચાણ કર્યું હતું. પાછલા વર્ષે તેમણે ૧પ વીઘા શાકભાજી કરી હતી જેમાંથી ૧પ લાખનું વેચાણ કર્યંુ હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ સંપૂર્ણ ખેતી તેઓ ડ્રીપ ઈરીગેશન અને મલ્ચિંગ પદ્ધતિથી કરે છે જેથી પાણીનો વ્યય ન થાય અને છોડને જરૂર મુજબનું પાણી મળી રહે તથા છોડમાં લાંબો સમય ભેજ ટકી રહે તે માટે મલ્ચિંગ ખૂબ જ સારો વિકલ્પ છે. ડ્રીપ ઈરીગેશન મલ્ચિંગ પદ્ધતિ પાણીના બચાવવા માટેનો સારો સોર્સ બની રહેશે તેઓ શાકભાજીની ખેતીમાં ૧પ થી ર૦ માણસોની રોજી પુરી પાડી શકે છે.