૧૩૬૨ સ્કાઉટ્સનું રાજ્યપાલના હસ્તે પુરસ્કારથી સન્માન કરાયું

સ્કાઉટ્સ અને ગાઇડ્સ પ્રવૃત્તિથી બાળક પરિવાર-સમાજ અને રાષ્ટ્ર પ્રતિ જવાબદાર નાગરિક બનવાનું શીખે છે–રાજ્યપાલ
યુવાનોના ઘડતરમાં સ્કાઉટ્સ-ગાઇડ્સની પ્રવૃત્તિની મહત્વપૂર્ણ ભૂમિકા – શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ, ગુજરાત રાજ્ય દ્વારા રાજભવન ખાતે યોજાયેલાં રાજ્ય પુરસ્કાર વિતરણ સમારોહમાંસ્કાઉટ્સ અને ગાઇડ્સને રાજ્ય પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. રાજ્યપાલશ્રીએ પુરસ્કાર વિજેતાઓને શુભકામના પાઠવતાજણાવ્યુ હતું કે, સ્કાઉટ્સ અને ગાઇડ્સ પ્રવૃત્તિથી બાળક પરિવાર-સમાજ અને રાષ્ટ્ર પ્રતિ જવાબદાર નાગરિક બનવાનુંશીખે છે.
રાજ્યપાલશ્રીએ સ્કાઉટ્સ અને ગાઇડ્સને જીવનના અનુશાસનને શીખવનારી પ્રવૃત્તિ ગણાવી જણાવ્યુ હતું કે, સ્કાઉટ્સ અને ગાઇડ્સના ઉદ્દેશને જીવનમાં સાર્થક કરી યુવાનો સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષમાં યોગદાન આપે. રાજ્યપાલશ્રીએ તરૂણાવસ્થાને જીવનનો મહત્વપૂર્ણ તબક્કો ગણાવી કોઇપણ નિર્ણય
લેવામાં વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવા અને માતા-પિતાથી કોઈપણ વાત નહીં છુપાવવા ઉપસ્થિત તરૂણોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ વ્યક્તિના ઘડતરમાં માતા-પિતા અને ગુરુનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ હોવાનું જણાવી પૂરાં સમર્પણભાવથી તેમનો આદર કરવા જણાવ્યુ હતું.
રાજ્યપાલશ્રીએ “જેવો સંગ, તેવો રંગ” કહેવતના અર્થને સમજાવી સજ્જનોના સંગનો આગ્રહ કર્યો હતો. જ્યારે “જેવું કરશો, તેવું પામશો” કહેવત દ્વારા સદ્દપ્રવૃતિના મહત્વને પણ સમજાવ્યુ હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્કાઉટ્સ અને ગાઇડ્સની પ્રવૃત્તિને યુવાનોના જીવનમાં મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવી રચનાત્મક પ્રવૃત્તિ માટે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને તેમના વાર્ષિક પરિણામમાં વધારાના ગુણ આપવાનું પણ રાજ્ય સરકાર વિચારી રહી છે. તેમણે રાજ્ય પુરસ્કાર મેળવનારા સ્કાઉટ્સ અને ગાઇડ્સને શુભકામનાઓ પણ પાઠવી હતી.
રાજભવન ખાતે યોજાયેલા આ રાજ્ય પુરસ્કાર વિતરણ સમારોહમાં ૧૩૬૨ શ્રેષ્ઠ સ્કાઉટ્સ અને ગાઇડ્સને મહાનુભાવોના હસ્તે રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સના સ્ટેટ ચીફ કમિશનર શ્રીમતી સવિતાબેન પટેલે સ્કાઉટ્સ-ગાઇડ્સ પ્રવૃત્તિના વૈશ્વિક મહત્વનેસમજાવ્યુ હતું. આ પ્રસંગે સ્કાઉટ્સ-ગાઇડ્સ પ્રવૃત્તિમાંસહયોગી બની યોગદાન આપનારા મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ઓરિસ્સા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને ગુજરાત રાજ્ય, ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સના વાઈસ પેટ્રન શ્રી કલ્પેશભાઈ ઝવેરી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ. જે. હૈદર, નેશનલ- કમિશનર, સ્કાઉટ્સ શ્રી મનીષ કુમાર મહેતા, ડેપ્યુટી ઇન્ટરનેશનલ-કમિશ્નર ઓફ ગાઇડ્સ શ્રીમતી અનારબેન પટેલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર દર્શન વિષ્ણુભાઈ ઉપાધ્યાયે કર્યું હતું.