પૂર અને ખાદ્ય સંકટથી પરેશાન પાકિસ્તાન ભારતની સાથે વેપાર શરૂ કરશે
ઇસ્લામાબાદ, પૂર અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન એકવાર ફરી ભારત સાથે વેપાર શરૂ કરશે. પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તા ઇસ્માયલે તેની જાહેરાત કરી છે. મિફ્તા ઇસ્માયલે કહ્યું- આ પૂર અને ખાવાની કિંમતોમાં વધારાને કારણે અમે ભારતની સાથે વ્યાપારનો માર્ગ ખોલીશું.
પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તા ઇસ્માયલે આજે મીડિયાને કહ્યું કે હાલના પૂરથી પાક નષ્ટ થવાને કારણે લોકોની સુવિધા માટે સરકાર ભારતમાંથી શાક અને અન્ય ખાદ્ય પદાર્થ આયાત કરવા વિશે વિચાર કરી શકે છે. રેડિયો પાકિસ્તાન પ્રમાણે, ઇસ્લામાબાદમાં પત્રકાર પરિષદ કરતા મિફ્તા ઇસ્માઇલે એક સવાલના જવાબમાં આ વાત કહી છે.
સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ સુરક્ષા સલાહકાર મોઈદ યુસૂફ ભારતની સાથે વ્યાપારના સંબંધમાં કેટલાક પ્રસ્તાવો પર કામ કરી રહ્યાં હતા. તો પાકિસ્તાનના પૂર્વ વાણિજ્ય સલાહકાર રઝાક દાઉદે પણ અનેકવાર ભારત સાથે વ્યાપાર ફરી શરૂ કરવાની વકાલત કરી હતી.
માર્ચ ૨૦૨૧માં પાકિસ્તાનની આર્થિક સમન્વય સમિતિએ કહ્યું હતું કે તે દેશના ખાનગી ક્ષેત્રને ભારતથી ૦.૫ મિલિયન ટન ખાંડ અને કપાસની આયાત કરવાની મંજૂરી વાઘા બોર્ડર દ્વારા આપશે. પરંતુ આ ર્નિણય થોડા દિવસમાં પરત ખેંચી લેવામાં આવ્યો હતો. હકીકતમાં પીએમએલએન અને પીપીપીએ આ ર્નિણયનો વિરોધ કર્યો હતો, જે હાલ પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર ચલાવી રહ્યાં છે.
નોંધનીય છે કે પાકિસ્તાનમાં શાકભાજીની કિંમત આસમાને પહોંચી ગઈ છે. લાહોરની બજારમાં એક કિલો ડુંગળી ૫૦૦ રૂપિયા કિલો અને ટામેટા ૪૦૦ રૂપિયા કિલોની કિંમતે મળી રહ્યાં છે. આવનારા દિવસોમાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં હજુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબથી શાકની સપ્લાય પર ખરાબ અસર પડી છે.
હાલ લાહોર અને પંજાબના શહેરોમાં અફઘાનિસ્તાનથી ડુંગળી અને ટામેટાની સપ્લાય થઈ રહી છે. તોરખમ સરહદ દ્વારા આ સપ્લાય કરવામાં આવી રહી છે. આ પહેલા લાહોર બજાર સમિતિના સચિવ શહજાદ ચીમાએ પણ કહ્યુ હતુ કે સરકાર ભારતથી ડુંગળી અને ટામેટાની આયાત કરી શકે છે.HS1MS