Western Times News

Gujarati News

સ્વામી વિવેકાનંદના જીવન આદર્શો યુવાશક્તિના સમગ્ર જીવનકાળના પ્રેરણા સ્ત્રોત બની શકે તેમ છેઃમુખ્યમંત્રી 

નાનામાં નાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડી વિકસીત-ઉન્નત-આત્મનિર્ભર ભારતનો વડાપ્રધાનશ્રીનો ધ્યેય પાર પાડવા યુવા સંયોજકોને સંવાહક બનવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન

ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન પ્રભારી-જિલ્લા સંયોજકો અને મહાનગરપાલિકા સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

ગૃહ-મહેસૂલ અને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના રાજ્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમાજના નાનામાં નાના, છેવાડાના માનવી સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડી વિકસીત, ઉન્નત અને આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવા યુવાશક્તિને આહવાન કર્યુ હતું.

ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન પ્રભારી-જિલ્લા સંયોજકો તથા મહાનગરપાલિકા સંયોજકોના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ આ આહવાન કર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપ અને દ્રષ્ટિવંત નેતૃત્વમાં ડિઝીટલ ઇન્ડીયા, મેઇક ઇન ઇન્ડીયા, સ્વચ્છ ભારત જેવા અનેક નવતર આયામો દેશમાં વ્યાપક બન્યા છે.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ ભારતને વિકસીત, ઉન્નત અને આત્મનિર્ભર બનાવવાના ધ્યેય સાથે હરેક યોજનાઓમાં છેવાડાના, નાનામાં નાના માનવીના કલ્યાણનો ભાવ રાખ્યો છે.

આ સંદર્ભમાં શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, યોજનાઓનો લાભ જરૂરતમંદ વ્યક્તિઓ સુધી યથાર્થ રીતે પહોચાડીને સફળ બનાવવામાં સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડના યુવા સંયોજકો સંવાહક બને.

સરકારી યોજનાઓના લાભ લોકોને ઘરે બેઠા મળે તેની યોગ્ય માહિતી અને જાણકારી મળે તે માટે મુખ્યમંત્રીશ્રીએ યુવાઓને ‘ડોર સ્ટેપ ડિલીવરી ઓફ સર્વિસીસ’ રાજ્ય સરકાર લોકોના દ્વારે નો અભિગમ સાકાર કરવા પણ આહવાન કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદે વિશ્વમાં ભારતની શાખ-પ્રતિષ્ઠા ગૌરવ વધાર્યા છે. તેમના જીવન આદર્શો આજની યુવા પેઢીના સમગ્ર જીવનકાળમાં માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત બની શકે તેમ છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે આ યુવાશક્તિને પ્રેરણા આપતાં ઉમેર્યુ કે, હવે સમાજ સમસ્તમાં પણ નવી ઊર્જા પ્રગટી છે. લોકો સ્વચ્છતા પ્રત્યે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન પ્રત્યે તેમજ આત્મનિર્ભરતા માટે વધુ ઉત્સાહી અને જાગૃત બન્યા છે.

આવા સંજોગોમાં યુવાશક્તિએ હજુ વધુને વધુ લોકો સુધી યોજનાકિય જાણકારી અને લાભ પહોચાડી રાષ્ટ્રસેવાનું દાયિત્વ નિભાવી વિકસીત-આત્મનિર્ભર ભારતનો પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ પાર પાડવા કર્તવ્યરત થવું પડશે.

આ પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન આપતાં ગૃહ, મહેસૂલ અને રમત-ગમત, યુવા પ્રવૃત્તિઓ તથા સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વર્તમાન સમયમાં વડાપ્રધાન મોદી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદૃષ્ટિવંત નેતૃત્વમાં નાગરિકોને સરકારી સેવાઓના લાભ મેળવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. સરકાર દ્વારા આજે યોજનાની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આઝાદીના ઘણાં વર્ષો બાદ આ સૌથી મોટી સિદ્ધિ છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની નાગરિકલક્ષી મહત્વપૂર્ણ યોજનાઓનો લાભ પહોંચાડવાની જવાબદારી સૌ ઝોનલ તથા જિલ્લા સંયોજકોની છે. પ્રધાનમંત્રી જનધન આરોગ્ય યોજના જેવી મહત્વપૂર્ણ યોજનામાં મોટા પ્રમાણમાં પરિવારોને આ યોજના થકી આરોગ્ય ખર્ચ બચ્યો છે. સરકારી યોજનાની સચોટ માહિતી પહોંચે તો કેવી અસર થાય તેનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, માત્ર સુરતના ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં જ ૧.૫૦ લાખ વિધવા બહેનોને વિધવા સહાય યોજનાનો લાભ મળ્યો છે. અત્યાર સુધીમાં ગરીબી હટાવોના નામે ઠાલા વચનો થકી રાજનીતિ કરવામાં આવતી હતી, જ્યારે છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્ય સરકારે ગરીબોને પાકા મકાન, રાશન, રોજગાર સહાય, સરકારી યોજનાઓનો ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર(DBT) થકી યોજનાઓની સહાય પહોંચાડીને ખરા અર્થમાં ગરીબી નાબૂદી કરવામાં સફળતા મેળવી છે.

આ પ્રસંગે  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સચિવ શ્રી અશ્વિની કુમાર, નાયબ સચિવ શ્રી એસ. કે. હુડા સહિતના બોર્ડના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રશિક્ષણ વર્ગ પ્રારંભ અવસરે ભાજપા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી પ્રશાંત કોરાટ, રમત-ગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર, નાયબ સચિવ શ્રી હુડા, યુવક સેવા-સાંસ્કૃતિક પ્રવૃતિ કમિશનર શ્રી ભટ્ટ તેમજ રાજ્યના જિલ્લા-મહાનગરોના સ્વામી વિવેકાનંદ કેન્દ્રોના યુવા સંયોજકો સહભાગી થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.