Western Times News

Gujarati News

પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવાઇ

રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યોની રચાયેલ કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલ હડતાળ તેઓના એસોસીએશન દ્વારા તાત્કાલિક પરત ખેચવાનો નિર્ણય કરાયો છે. આ તમામ કર્મીઓ ત્વરિત તેમની સેવાઓમાં જોડાઈ જશે.

આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો દ્વારા રચાયેલી કમિટીની સભ્યો શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી હર્ષ સંધવી, શ્રી બ્રિજેશ મેરજા, શ્રી નિમિષાબેન સુથાર તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમા યોજાયેલ ફળદાયી બેઠકમાં તેઓની મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને અન્ય કેટલાક મુદ્દાઓ સંદર્ભે આગામી એક માસમાં યોગ્ય નિર્ણય લેવાશે એવી સહમતિ થતા આ નિર્ણય કરાયો છે.

પ્રવકતા મંત્રીશ્રી તો પછી જીતુભાઈ વાઘાણીએ  જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓના પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષે વિવિધ તબક્કે બેઠકો યોજીને તેમની માંગણીઓ સંદર્ભે વિગતવાર ચર્ચાઓ કરાઈ છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સહાનુભૂતિપૂર્વક પંચાયતના કર્મીઓ દ્વારા જે માગણીઓ આવી છે તેનો આગામી એક માસમાં રાજ્ય સરકાર યોગ્ય ઉકેલ લાવવા હૈયાધારણા આપી હતી.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓ દ્વારા જે માંગણીઓ કરાઈ છે જેમાં તેમને ટેકનિકલ ગણવા, ફેરણી ભથ્થું તથા કોરોના કાળ દરમિયાન રજામા બજાવેલ ફરજોનો પગાર આપવા માટેની જે મહત્વની માગણીઓ હતી તે તમામ માગણીઓ  સ્વીકારી તે સંદર્ભે રાજ્ય સરકાર આગામી એક માસમાં હકારાત્મક રીતે નિર્ણય લેશે. એટલે સૌ કર્મીઓને હડતાલ પાછી ખેચીને જનસેવામાં જોડાવવા અપીલ કરતા એસોસીએશને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.