Western Times News

Gujarati News

૪ સપ્ટેમ્બરના રોજ ૫૧,૭૮૨ બુથ પર યોજવામાં આવશે મતદારયાદી સુધારણા કેમ્પ

election commission for voter id

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે યોજાયેલી ઝુંબેશને બહોળો પ્રતિસાદ-તા.૨૮ ઓગસ્ટના રોજ ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદીમાં નામ નોંધાવવા, કમી કરવા તેમજ સ્થળાંતર/સુધારા માટે ૩,૨૫,૧૮૪ ફોર્મ સ્વીકારવામાં આવ્યા

નવા મતદાર તરીકે નોંધણી કરાવવાની ઝુંબેશ દરમિયાન તા.૨૮ ઓગસ્ટના રોજ દોઢ લાખથી વધુ જેટલા ફોર્મ નં.૦૬ મળ્યા
મતદાર ઓળખપત્રને આધારકાર્ડ સાથે લિંક કરવા ફોર્મ નં.૦૬(ખ)માં પોણા આઠ લાખથી વધુ અરજીઓ મળી
મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરાવવા, સુધારા વિના જૂનાને બદલે નવું EPIC મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ફોર્મ નં.૦૮માં એક લાખથી વધુ અરજીઓ મળી

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૦૧લી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે, ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (SSR) તા.૧૨મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તા.૨૧મી અને ૨૮મી ઓગસ્ટ તથા તા.૦૪થી અને ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના ચાર રવિવાર ખાસ દિવસ તરીકે જાહેર કરી, મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા મળેલ અરજીઓનો નિકાલ કરી મતદાર યાદીને અદ્યતન કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

જે અંતર્ગત તા.૨૮/૦૮/૨૦૨૨ના રોજ રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના ૫૧,૭૮૨ બુથ પર બુથ લેવલ ઑફિસર્સ તથા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા મતદારયાદીમાં નામ નોંધાવવા, કમી કરવા તેમજ સ્થળાંતર/સુધારા માટે ૩,૨૫,૧૮૪ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.

જેમાં નવા મતદાર તરીકેની નોંધણી માટે ૧,૧૩,૧૬૮ ફોર્મ નં.૦૬ તથા સ્થળાંતરના કારણે સરનામુ બદલવા, મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા, સુધારા વિના જૂનાને બદલે નવું EPIC (મતદાર ઓળખપત્ર) મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ઈચ્છતા નાગરિકો પાસેથી દોઢ લાખથી વધુ ફોર્મ નં.૦૮ સ્વીકારવામાં આવ્યા હતા.

તેમજ પોણા આઠ લાખથી વધુ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાર યાદીમાં નોંધાયેલી પોતાની વિગતો સાથે આધાર નંબર લિંક કરાવ્યો હતો. રવિવારે ખાસ ઝુંબેશના દિવસે રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરશ્રી તેમજ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને બુથ લેવલ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત તા.૧૨મી ઓગસ્ટ,૨૦૨૨ના રોજ મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ નવા મતદાર તરીકે નોંધણી કરાવવા ચૂંટણી તંત્રને ૧૮ થી ૧૯ વર્ષની વયજૂથ ધરાવતા ૧,૮૫,૭૬૩ તથા ૨૦ થી ૨૯ વર્ષની વયજૂથ ધરાવતા ૯૧,૨૫૧ યુવાનોની મતદાર યાદીમાં નામ દાખલ કરવા અરજીઓ મળી છે.

આ જ પ્રમાણે આગામી તા.૦૪/૦૯/૨૦૨૨ને રવિવારના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ પદનામિત અધિકારીઓ દ્વારા સવારના ૧૦.૦૦ કલાકથી સાંજના ૧૭.૦૦ કલાક સુધી મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા અરજીઓ સ્વીકારવામાં આવશે.

મતદારો નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ સબંધિત ભાગની મતદારયાદીનો મુસદ્દો જોઈ શકશે. સાથે જ મુસદ્દા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરજી ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ (BLA) ના સહકારથી મતદારયાદીના મુસદ્દાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.