ગુજરાત બહારના પ્રવાસીઓને આકર્ષવા ૩૪ પ્રવાસન માહિતી કેન્દ્ર શરૂ કરાશે
રાજ્ય બહાર અયોધ્યા,વારાણસી, દેહરાદુન, ચંદીગઢ, નાગપુર, ઇન્દોર અને ભુવનેશ્વર ખાતે પ્રવાસી માહિતી કેન્દ્રો શરૂ કરવામાં આવશે
એશિયાટીક લાયનની સાસણ ગીર સેન્ચ્યુરીને આઉટલુક ટ્રાવેલ્સ ગ્રુપ દ્વારા ‘બેસ્ટ વાઈલ્ડ લાઈફ સ્થળ’ અતર્ગત વર્ષ-૨૦૨૨નો સિલ્વર કેટેગરીમાં એવોર્ડ એનાયત
પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાધાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવવા,પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં તથા રાજય બહાર પ્રવાસન નિગમ હસ્તક ‘ટુરિસ્ટ ઇન્ફર્મેશન બ્યુરો’-પ્રવાસી માહિતી કેન્દ્રો શરૂ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જે હેઠળ કુલ ૩૪ જગ્યાએ આ પ્રવાસી માહિતી કેન્દ્રો શરૂ કરવામાં આવશે.
પ્રવકતા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે મળેલી રાજ્યમંત્રીની મંત્રીમંડળની બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે.
જે અતર્ગત પ્રવાસન નિગમ દ્વારા રાજ્યમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર,તાપી અને વલસાડ ખાતે પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવનાર છે.
આ ઉપરાંત રાજ્ય બહાર અયોધ્યા, વારાણસી, દેહરાદુન, ચંદીગઢ, નાગપુર, ઇન્દોર અને ભુવનેશ્વર ખાતે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા સાત પ્રવાસી માહિતી કેન્દ્રો શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે.
પ્રવકતા મંત્રીશ્રી ઉમેર્યું હતું કે, ગુજરાતનો ગૌરવ સમાન એશિયાટીક લાયનની સાસણગીર સેન્ચ્યુરીને આઉટલુક ટ્રાવેલ્સ ગ્રુપ દ્વારા “બેસ્ટ વાઈલ્ડ લાઈફ સ્થળ” અતર્ગત વર્ષ-૨૦૨૨નો સિલ્વર કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે