Western Times News

Gujarati News

232 કરોડના ખર્ચે SSG હોસ્પિટલ ખાતે અદ્યતન સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ થશે

રૂ. ૨૩૨ કરોડના ખર્ચે ૬૦૦ બેડના અદ્યતન મધર એન્ડ ચાઇલ્ડ યુનિટનું ભૂમિપૂજન કરાશે 

જેમાં ૨૨૦ બેડની સુવિધાયુક્ત રૂ. ૨૦૦ કરોડના ખર્ચે  કિડની, સ્પાઇન અને આંખના સારવાર યુનિટ બનશે 

મેડીકલ કોલેજના ૫૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ માટે નવા હોસ્ટેલના બિલ્ડીંગની કામગીરી પ્રગતિ હેઠળ રૂ.૧૫૦ કરોડના ખર્ચે ૨૩૮ બેડનું અદ્યતન કાર્ડિયાક યુનિટ તૈયાર કારશેઃ કાર્ડીયાક પ્રોસીજર માટે કેથ લેબ તથા હૃદયને લગતી તમામ મોટી સર્જરીઓ માટે કેથ ઓ.ટી. બનશે

સરકારી જમીનમાં દર્દીઓના સંબંધીઓના રહેવા માટે રૂ. ૨૨ કરોડના ખર્ચે ૨૩૫ નાગરિકો રહી શકે તેવા ૬ માળના “વિશ્રામ સદન”નું આગામી સમયમાં લોકાર્પણ કરાશે

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકારોને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં શરૂ થનાર નવી સુવિધાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં કાર્યરત યુ.એન.મહેતા હોસ્પિટલ જેવી જ સારવાર અને સુવિધાઓ મધ્ય ગુજરાતના નાગરિકોને હવે એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા ખાતે જ ઉપલબ્ધ થશે.

વડોદરા ખાતે રૂ. ૨૩૨ કરોડના ખર્ચે ૬૦૦ બેડની અદ્યતન મધર એન્ડ ચાઇલ્ડ (MCH) યુનિટનું ભૂમિપૂજન આગામી સમયમાં કરવામાં આવશે. આ ઉપરાંત મેડીકલ કોલેજના ૫૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ રહી શકે તે માટેના નવા હોસ્ટેલના બિલ્ડીંગની કામગીરી પ્રગતિમાં છે. જેનું તાજેતરમાં આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી નિમિષાબેન સુથાર દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કરાયા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટમાં રૂ. ૨૦૦ કરોડના ખર્ચે  કિડની, સ્પાઇન અને આંખના રોગના યુનિટ બનશે જેમાં કુલ ૨૨૦ બેડ બનાવવાની જોગવાઇ કરાઈ છે. બજેટમાં વડોદરા ખાતેના અનસુયા લેપ્રેસી ગ્રાઉન્ડ કેમ્પસ ખાતે ૨૩૮ બેડ ધરાવતાં એક કાર્ડિયાક યુનિટ માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઇ કરાઈ છે.

આ કાર્ડિયાક યુનિટમાં અદ્યતન કેથ લેબ તૈયાર કરાશે. જેમાં એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટિ જેવી કાર્ડિયાક પ્રોસીજર ઉપલબ્ધ થશે. કેથ ઓપરેશન થિયેટર-ઓ.ટી.માં હૃદયની બાયપાસ સર્જરી, વાલ્વ રિપ્લેસમેન્ટ અને હૃદયને લગતી તમામ મોટી સર્જરીઓ કરવામાં આવશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓના સગા-સંબંધિઓને રહેવા માટે કેન્દ્ર સરકારની નવરત્ન કંપની પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડ દ્વારા સી.એસ.આર. ફંડ હેઠળ રૂ. ૨૨ કરોડના ખર્ચે સરકારી જમીનમાં ૬ માળનું “વિશ્રામ સદન” બિલ્ડીંગ બનાવાયું છે જેનું આગામી સમયમાં  લોકાર્પણ કરાશે.

જેમાં ૨૩૫ દર્દીઓના સગા-સંબંધિઓ રહી શકશે. આ વિશ્રામ સદનમાં ૭૫ રૂપિયામાં સામાન્ય રૂમ જેમાં કુલ ૯ લોકો રહી શકશે અને ૧૨૫ રૂપિયામાં થોડી પ્રાઇવેસી ધરાવતો રૂમ જેમાં કુલ ૪ લોકો રહી શકશે. ૬૦ માણસો જમી શકે તેટલી ક્ષમતા ધરાવતો ડાઇનીંગ હોલ પણ બનાવાયો છે. આ વિશ્રામ સદનને સક્ષમ રીતે ચલાવી શકે તેવી સંસ્થાને સોંપવા અંગેની કામગીરી પણ હાથ ધરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.