Western Times News

Gujarati News

ઘરની અગાશી પર લગાવેલી સોલાર પેનલનું કેવી રીતે ધ્યાન રાખશો ?

પ્રતિકાત્મક

5 જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ –સોલાર પેનલની સાફસફાઈ, મેન્ટેનન્સ અને જાળવણી કેવી રીતે કરશો?

પાંચમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પર્યાવરણ જાળવણી માટે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો અને એમાંય ખાસ કરીને સૂર્યઊર્જાનો ઉપયોગ ઘરે ઘરે જાણીતો બન્યો છે. શું તમારા ઘરે  પણ ધાબા પર સોલર પેનલ લગાવેલી છે? તો આ સોલર પેનલની સાફ-સફાઈ મેન્ટેનન્સ અને જાળવણી માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. How to take care of the solar panel installed on the fireplace of the house?

 • સોલર પેનલ અને સોલર મોડ્યુલની સફાઈ કેવી રીતે કરશો ?
  • સોલર પેનલ અને મોડ્યુલ પર જામેલા ધૂળના સ્તરને દૂર કરવા માટે, પેનલ્સને સમયાંતરે સોફ્ટ પાણીથી ધોવી જરૂરી છે.
  • જો મોડ્યુલમાં ગંદકી વધુ હોય અથવા કાદવ અને પક્ષીના ડ્રોપિંગ્સ હોય, કે જેને દૂર કરવું મુશ્કેલ હોય, તો ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
  • તમે સોલર પેનલ્સને સાફ કરવા માટે બગીચાની પાઇપ/નળીનો ઉપયોગ કરી શકો છો.
  • જો સૌર પેનલ્સને વધુ સફાઈની જરૂર હોય અને બગીચાની નળી એટલી મદદરૂપ ન હોય, તો તમે તેને સાફ કરવા માટે સ્પન્જનો ઉપયોગ કરી શકો છો.
  • પેનલ્સ ગરમ હોય ત્યારે ક્યારેય ઠંડા પાણીનો છંટકાવ કરવો જોઈએ નહીં, તેનાથી પેનલને ઘણું નુકસાન થઈ શકે છે. સવારે કે સાંજના સમય સફાઈ કરવી જોઈએ.
  • પેનલની સપાટીને સામાન્ય રીતે સ્પોન્જથી જ સાફ કરવી જોઈએ. પેનલની સપાટીને સ્ક્રેચ ના પડે તે માટે ધાતુના બ્રશથી સફાઈ ટાળવી જોઈએ.
  • પેનલની સફાઈ માટે ક્યારેય ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
  • જો તમારી પાસે સોલર પેનલ્સને સાફ કરવા માટે સમય ન હોય, તો તમે સ્વયંચાલિત ક્લીનર્સ પણ સ્થાપિત કરી શકો છો. આવા ક્લીનર્સ સ્પ્રિંકલર સિસ્ટમ્સની જેમ કામ કરે છે.
 • સોલર પેનલ્સની જાળવણી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
 • સૌર પેનલ્સને છાંયડાથી દૂર રાખો. કારણ કે જ્યારે પેનલનો અમુક ભાગ છાંયડામાં હોય ત્યારે સૂર્યપ્રકાશનું યોગ્ય અવશોષણ થઈ શકતું નથી, જેથી ઊર્જા ઉત્પાદન બિનકાર્યક્ષમ બની જાય છે.
 • સૌર પેનલ્સના ઇન્વર્ટરમાં લીલી બત્તી ચાલુ છે કે કેમ તે ચેક કરવું જોઈએ. લીલી બત્તી બંધ હોય કે યોગ્ય રીતે ન ચાલુ હોય તો તે મોડ્યુલમાં ખામી સૂચવે છે.
 • સૌર પેનલ્સના ઊર્જા ઉત્પાદનનું યોગ્ય મોનિટરિંગ કરવું જોઈએ. સામાન્ય દિવસોમાં કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે અને જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે તે ચકાસવું જોઈએ. જેથી કરીને સોલાર પેનલ અને મોડ્યુલના પરફોર્મન્સ અને તેની કામગીરી યોગ્ય છે કે કેમ તેની જાણકારી મેળવી શકાય.
 • તમારા સોલર પેનલ પ્રોવાઈડર દ્વારા આપવામાં આવેલી પેનલ સર્વિસિંગ વિશેની તમામ માહિતી રાખો અને સમયાંતરે આ પ્રમાણે સર્વિસ કરાવો.
 • સોલર પેનલના ડેમેજ કે ખામીની તપાસ કેવી રીતે કરશો?
 • તિરાડો, ચિપ્સ, ડી-લેમિનેશન, ધુમ્મસવાળું ગ્લેઝિંગ, પાણીનું ગળતર અને વિકૃતિકરણ જેવી સંભવિત ખામીઓની જાણકારી મેળવવા માટે સમયાંતરે મોડ્યુલોનું જાતે નિરીક્ષણ કરવું જોઈએ અથવા ટેક્નિશિયન પાસે તપાસ કરાવવી જોઇએ.
 • જો કોઈ પેનલમાં કે ભાગમાં સ્પષ્ટ ખામી જોવા મળે તો તે પેનલ કે ભાગનું સ્થાન નોંધીને તેના ઊર્જા ઉત્પાદનનું નિરીક્ષણ કરવું જોઈએ.
 • જો નુકસાનને કારણે સોલર મોડ્યુલ તેના નક્કી કરેલા આઉટપુટ કરતાં ઓછું પ્રદર્શન કરે તો તેને બદલાવવું જોઈએ.
 • સ્ટ્રકચરની સ્ટેબિલિટી કેવી રીતે ચેક કરશો ?
 • સોલાર મોડ્યુલના માઉન્ટિંગ ફ્રેમ્સની સમયાંતરે તપાસ કરવી જોઇએ. ફ્રેમ અને મોડ્યુલના માઉન્ટિંગ બોલ્ટ્સ રસ્ટ-ફ્રી(કાટ ન લાગ્યો હોય તેવા) છે કે કેમ અને સ્ટ્રકચર સુરક્ષિત છે કે કેમ તે ચેક કરવું જોઈએ.
 • વાયરને ઉંદર અને અન્ય જંતુઓ દ્વારા થતું ડેમેજ તપાસવા માટે જંકશન બોક્સની તપાસ કરવી જોઈએ.
 • ઇન્વર્ટર/ચાર્જ કંટ્રોલરની સંભાળ લેવી રીતે રાખશો ?
 • ઇન્વર્ટર/ચાર્જ કંટ્રોલર પર ઓછામાં ઓછી ધૂળ જમા થાય એ રીતે રાખવા જોઈએ
 • સમયાંતરે સૂકા કાપડનો ઉપયોગ કરીને સંચિત ગંદકી/ધૂળને સાફ કરવી જોઈએ.
 • એલઇડી લાઇટ જેવા તમામ સૂચકાંકો કામ કરી રહ્યા છે કે કેમ તથા આ ઇન્વર્ટર/ચાર્જ કંટ્રોલર તરફ જતા અને આવતા વાયર છૂટા પડેલા નથી ને તે સુનિશ્ચિત કરવું જોઈએ.
 • સૂર્ય હોય તેવા સમયે ચાર્જ કંટ્રોલર દ્વારા સિસ્ટમ ચાર્જ થઈ રહી છે કે કેમ તે ચેક કરવું જોઈએ.
 • વાયરિંગ અને જોડાણો બાબતે શું ધ્યાન રાખશો ?
 • ઇન્સ્યુલેશનમાં કોઈપણ તિરાડો, તૂટેલા ભાગો અથવા અન્ય ખરાબી માટે વાયરિંગ ઇન્સ્ટોલેશન્સની નિયમિત તપાસ કરાવવી જોઇએ.
 • બૉક્સમાં ઉંદરો અને જંતુઓનો ઉપદ્રવ અટકાવવા માટે પેનલ બોક્સની તપાસ કરવી જોઈએ. વધુમાં, જોડાણોનું કાટ અને/અથવા બર્નિંગ માટે નિરીક્ષણ કરવું જોઈએ.
 • બેટરીની જાળવણી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
 • મહિનામાં એકવાર બેટરીનું નિયમિત મૂલ્યાંકન અને બેટરીની સફાઈ કરવી આવશ્યક છે. બેટરીમાં ક્યાંય ઇલેક્ટ્રોલાઇટ લીક હોય કે તિરાડો હોય અથવા કનેક્ટર્સ અને ટર્મિનલ્સ પર કાટની હાજરી હોય એ ચેક કરીને યોગ્ય પગલાં લેવા જોઈએ. સિસ્ટમની બેટરીઓ ક્લીન, ડ્રાય અને કાટ તથા ઇલેક્ટ્રોલાઇટ્સથી મુક્ત હોવી જોઈએ. (આલેખન:- મીનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી,અમદાવાદ)

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.