સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC અનામત માટેની સંસ્થાવાર બેઠકો નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના
રાજ્યમાં તમામ જિલ્લાઓને ચાર ઝોનમાં વહેચી આયોગ દ્વારા રૂબરૂમાં રજૂઆતો સાંભળીને અભિપ્રાય લેવાયા
આજે ગાંધીનગર ખાતે રાજ્યના માન્ય અને અમાન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી એમના પણ અભિપ્રાય લેવાયા
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી. અનામત માટેની સંસ્થાવાર બેઠકો નક્કી કરવા માટે નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવથી સમર્પિત આયોગની રચના નિવૃત મુખ્ય ન્યાયધીશ શ્રી કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી છે.આ ઉપરાંત આ સમર્પિત આયોગમાં ચેરમેનશ્રી ઉપરાંત સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણુક કરવામાં આવી છે.
સમર્પિત આયોગને નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર મુખ્ય ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરવાની થાય છે જેમાં રાજયની અંદર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ માટે પછાતપણા ના સ્વરૂપ અને અસરો અંગે સંપૂર્ણ અને કાળજીપૂર્વક તપાસ કરવા માટે એક સમર્પિત આયોગની સ્થાપના કરવી,આયોગની ભલામણોને આધારે સ્થાનિક સ્વરાજયની સંસ્થા મુજબ જોગવાઈ કરવા માટે અનામતના પ્રમાણને સ્પષ્ટ કરવું,જેથી કરીને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંધન ન થાય. તેમજ કોઈપણ સંજોગોમાં આવી અનામત SC/ST/OBC ની તરફેણમાં અનામત રાખવામાં આવેલી બેઠકો કુલ બેઠકોના ૫૦ ટકાથી વધુ ન હોવી જોઈએ જેવી બાબતોને આવરી લેવાઈ છે
આ આયોગ દ્વારા તા.૧૩/૦૭/૨૦૨૨ થી કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં રાજ્યમાં તમામ ગ્રામ પંચાયતો,તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો,નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં તા.૦૧/૦૧/૨૦૨૨ ની સ્થિતિએ અન્ય પછાત વર્ગની ગામવાર, તાલુકાવાર,જિલ્લાવાર,નગરપાલિકા અને મહાનગરપાલિકાવાર અન્ય પછાત વર્ગની વસ્તી નક્કી કરી તેની ટકાવારીના ધોરણે સંસ્થાવાર અન્ય પછાત વર્ગો માટે બેઠકો નિયત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આયોગ દ્વારા કામગીરીના ભાગરૂપે આ કામગીરીના સંદર્ભમાં રાજ્યમાંથી તમામ રાજકીય પક્ષો, સ્વયંસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, પ્રજાના પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, પ્રતિષ્ઠિત આગેવાનોની રૂબરૂમાં તથા લેખિતમાં રજૂઆતો મેળવવામાં આવી છે.
વધુમાં આયોગ દ્વારા રાજ્યમાં તમામ જિલ્લાઓને ચાર ઝોનમાં વહેચી દક્ષિણ ગુજરાતમાં સુરત,મધ્ય ગુજરાતમાં વડોદરા, ઉત્તર ગુજરાતમાં અમદાવાદ અને સોરાષ્ટ્રના જિલ્લાઓ માટે રાજકોટ ખાતે તા.૨૧/૦૮/ ૨૦૨૨ થી તા.૨૬/૦૮/૨૦૨૨ દરમ્યાન આયોગ દ્વારા રૂબરૂમાં જે તે ઝોનના જિલ્લાઓના પ્રતિનિધિઓને સાંભળવામાં આવ્યાં છે.
તા.૨૭/૦૮/૨૦૨૨ ના રોજ આયોગના ચેરમેનશ્રી દ્વારા અન્ય પછાત વર્ગ અંગેના નિષ્ણાતો,ઇતિહાસકારો અને અન્ય પછાત વર્ગ અંગે જાણકારી ધરાવતા નિષ્ણાતો સાથે બેઠક રાખી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
તેજ રીતે આયોગની કામગીરીના ભાગરૂપે રાજ્યમાં માન્ય અને અમાન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ આજે ગાંધીનગર ખાતે સાંભળવામાં આવ્યાં છે અને તેમની રજૂઆતો મેળવવામાં આવી છે.
આયોગને મળેલી તમામ લેખિત, મૌખિક અને ઇ-મેઇલ દ્વારા મળેલી રજુઆતોનો અભ્યાસ કરી નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશોની મર્યાદામાં રહીને આયોગ પોતાના અહેવાલમાં વ્યાજબી રજુઆતો ધ્યાને લઇને પોતાના અહેવાલમાં રાજ્ય સરકારને ભલામણ કરશે.
આજે ગાંધીનગર ખાતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને અમાન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ આયોગને રજુઆત કરી છે. તે ધ્યાને લઇને આયોગ યોગ્ય કાર્યવાહી કરશે.