કેવડીયાના વોટર એરોડ્રામ અને જેટીના નિર્માણ સહિત વિકાસ કામો કરાશે
નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ SOU-એકતાનગર ખાતેના વોટર એરોડ્રામની લીધેલી મુલાકાત
એરોડ્રામ સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કરી જેટીના નિર્માણ સહિત તેના વિકાસ માટે મંત્રીશ્રી મોદીએ કરેલો વિચાર-વિમર્શ
રાજપીપલા, ગુજરાતના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન-યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન એકતાનગર (કેવડીયા) ખાતેના વોટર એરોડ્રામની મુલાકાત લઇ એરોડ્રામના ચીફ સિક્યુરિટી ઓફિસરશ્રી રાજેશ ચૌબે સાથે સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું અને સ્થળ પર વોટર એરોડ્રામના વિકાસ ઉપરાંત જેટીના નિર્માણ-વિકાસ સંદર્ભે જરૂરી વિચાર – વિમર્શ કર્યો હતો.
માધ્યમો સાથેના સંવાદમાં મંત્રીશ્રી મોદીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી-એકતાનગર (કેવડીયા) ખાતે આગામી દિવસોમાં અનેક પ્રવાસીઓનો અહીંયા વધારો થવાનો છે. સાથે સાથે આ એરોડ્રામના વિકાસ અને જેટી બનાવવાના વિષય સંદર્ભે સ્થળ નિરીક્ષણ કરીને અહીં એક સારું પ્લેટફોર્મ તૈયાર થાય તેવો આશય આજની આ મુલાકાતનો રહેલો છે.
મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીની આજની ઉક્ત મુલાકાત દરમિયાન નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ધનશ્યામભાઇ પટેલ, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, શ્રી વિક્રમભાઈ તડવી, શ્રી કમલેશભાઇ પટેલ વગેરે પણ સાથે જોડાયાં હતાં