ભાદરવી પૂનમના મેળા માટે 3 પ્રકારના 40 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરાશે

ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ ૩.૬૦ લાખ કિલો પ્રસાદ બનાવશે
અંબાજી, શક્તિપીઠ અંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો ભરાવા જઈ રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે અંબાજી મંદિરે મોટી સંખ્યામાં યાત્રિકો આવવાની શક્યતાઓ છે એટલું જ નહીં અંબાજી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાં મોહનથાળના પ્રસાદની મોટી માંગ રહેતી હોય છે
જેને પહોંચી વળવા તંત્ર દ્વારા પ્રસાદ માટેનું આગોતરું આયોજન કરી પૂરતા પ્રમાણમાં શ્રદ્ધાળુઓને શુદ્ધ અને સાત્વિક પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાખો કિલોની માત્રામાં પ્રસાદ બનાવવાની રોજિંદી કામગીરી શરુ કરી છે.
અહીંયા એક દિવસમાં અંદાજિત ર૦૦ ઘાણમાં ૩પ૦૦ કિલો પ્રસાદ બનાવવામાં આવે છે. સમગ્ર મેળા દરમિયાન ૩ લાખ ૬૦ હજાર કિલો પ્રસાદ બનાવાશે. જેમાં ત્રણ પ્રકારના ૪૦ લાખ જેટલા પેકેટ તૈયાર કરાશે જેના માટે કારીગરો સાથે ૪૦૦ ઉપરાંત મજૂરો સતત કામ કરી રહ્યા છે. ખાસ કરીને શુદ્ધ અને ગુણવત્તાસભર પ્રસાદ મળી રહે તે માટે ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા ચકાસણી પણ કરાય છે.