ઝઘડિયા GIDCમાં પાર્ક કરેલ ગાડી માંથી ૧૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભરૂચ એલસીબી પોલીસ ઝઘડિયા જીઆઈડીસીમાં પાર્ક કરેલ ગાડી માંથી ૧૧ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી લીધો.
પોલીસે કુલ રૂ.૨૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈને એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ લખાવી.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાની એલસીબી ટીમે ઝઘડિયા જીઆઈડીસીમાં પાર્ક કરેલ એક બંધ બોડીની ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ જીલ્લા એલસીબીની ટીમને ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાનન બાતમી મળી હતી કે રેખાબેન સતિષભાઈ વસાવા રહે.નવાગામ કરારવેલ તા.અંકલેશ્વરનાએ બંધ બોડીની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ઝઘડિયા જીઆઈડીસીમાં રોડ ઉપર પાર્ક કરી રાખેલ છે.એલસીબી પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારીને બાતમી મુજબની ગાડી પાસે જઈને તપાસ કરતા ગાડીનો ચાલક કે અન્ય કોઈ હાજર મળેલ નહી.પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારુની નાનીમોટી ૮૫૩૨ નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.એલસીબીની ટીમે ઘટના સ્થળેથી રૂપિયા ૧૧,૩૬,૪૦૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તેમજ રૂપિયા ૧૦ લાખની કિંમતની બંધ બોડીની ગાડી મળીને કુલ રૂપિયા ૨૧,૩૬,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને સ્થળ ઉપર હાજર નહી મળેલ અને દારૂનો જથ્થો મંગાવનાર રેખાબેન સતિષ વસાવા રહે.નવાગામ કરારવેલ તા.અંકલેશ્વર જી.ભરૂચ તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર અને ગાડીનો ચાલક મળી કુલ ત્રણ સામે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.