Western Times News

Gujarati News

સિવિલમાં દાખલ દર્દીનાં સગાઓને ડિવાઈડર પર સૂઈ જવું પડે છે

જરૂરિયાતમંદો માટે રેનબસેરાની જાહેરાત માત્ર કાગળ પર રહી જતાં લોકો પરેશાન ઃ રખડતાં કૂતરાંની વચ્ચે રાત પસાર કરતા લોકોની વેદના તંત્ર સુધી પહોંચતી નથી

(એજન્સી) અમદાવાદ, સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ કરતાં તેમના સગાં વહાલાની હાલત અત્યંત ખરાબ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મોડી રાતે સૂવા માટે તેમને સિવિલમાં છત નહીં પરંતુ ખુલ્લું આકાશ જ મળે છે. હોસ્પિટલમાં દર્દીઓના સગાં વહાલાને સુવા માટેની વ્યવસ્થા પણ નહી હોવાથી તેમને રસ્તા પર તેમજ ડિવાઈડર પર સૂવાની નોબત આવે છે.

કાતિલ ઠંડી હોય, દઝાડતી ગરમી હોય કે પછી ધોધમાર વરસાદ વરસતો હોય, દર્દીઓના સગાંઓએ ફરજિયાત રોડ અને ડિવાઈડર ઉપર સૂવું પડે છે. જરૂરિયાતમંદો માટે રેનબસેરાની જાહેરાત માત્ર કાગળ પર રહી જતાં લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે.

કોરોના મહામારી બાદ ગુજરાતને મેડિકલ ટુરિઝમનું હબ બનાવવાની વાતો થઈ રહી છે અને સિવિલ હોસ્પિટલના નવિનીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ૧,ર૦૦ બેડની હોસ્પિટલ જયારે શરૂ કરવામાં આવી ત્યારે તેની સાથે સિવિલ હોસ્પિટલમાં ૩પ કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન રેનબસેરા બિલ્ડિંગ બનાવવાની જાહેરાત પણ કરાઈ હતી.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશના અલગ અલગ રાજયમાંથી દર્દી સારવાર લેવા માટે આવી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓને સારવાર તો મળી જાય છે પરંતુ તેના કરતાં બદતર હાલત તેમના સ્વજનોની થાય છે.

હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવનાર પરપ્રાંતીય લોકોને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવું પડતું હોય છે. જેના કારણે દર્દીઓના સગાં વહાલાને હોસ્પિટલના રોડ અને ડિવાઈડર પર સૂવાની ફરજ પડે છે. અફસોસની વાત એ છે કે રખડતા કૂતરાની વચ્ચે રાત પસાર કરતા લોકોની વેદના તંત્ર સુધી પહોંચતી નથી.

તંત્ર દ્વારા દર્દીઓની સતત વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી ૧,ર૦૦ બેડની હોસ્પિટલ પાસે રેનબસેરા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્ય્‌ હતો, પરંતુ દર્દીઓના સગા રાત્રી રોકાણ કરી શકે તે માટે અદ્યતન રેનબસેરાનું રૂ.૩પ કરોડના ખર્ચે તૈયાર થનારા બિલ્ડીગનું શું થયું તેનો કોઈ જવાબ અધિકારી પાસે નથી.

સિવિલ હોસ્પિટલની આસપાસ હોટલ તેમજ ગેસ્ટ હાઉસો પણ આવેલા છે. જયાં દર્દીઓને રૂમ રાખવા માટે પણ સો વખત વિચાર કરવો પડે તેમ છે. ગરીબ કે મિડલ કલાસ દર્દીઓ વધુ સમય સુધી સિવિલ હોસ્પિટલમાં એડમિટ હોય ત્યારે તેમના સંબંધીઓને હોટલ કે ગેસ્ટહાઉસનું રોજનું પ૦૦ રૂપિયા કે તેથી વધુનું ભાડું ચુકવવું પોષાતું નથી. આ કારણે તેઓ મજબુરીવશ રોડ પર સૂઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.