CID ક્રાઈમના પીઆઈ બની રોફ જમાવનાર વૃદ્ધ ઝડપાયો

(એજન્સી)અમદાવાદ, શહેરમાં સીઆઈડી ક્રાઈમના પીઆઈ બની રોફ જમાવનાર વૃદ્ધને કારંજ પોલીસે ઝડપી પાડયો છે. વૃદ્ધ પાસેથી નકલી આઈકાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કારંજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગલબાભાઈએ નકલી પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી છે. ગઈકાલે દિનેશભાઈને કન્ટ્રોલમાંથી મેસેજ મળ્યો હતો કે નકલી પોલીસ મળી આવ્યો છે, જેથી દિનેશભાઈ અને તેમની ટીમ ઘટનાસ્થળ પર ગયા હતાં ત્યારે તે શખ્સ મળી આવ્યો ન હતો.
આથી કન્ટ્રોલમાં ફોન કરનાર યુવકની પોલીસ પુછપરછ કરતી હતી ત્યારે આ યુવકે કહ્યું કે નકલી પોલીસ બનીને આવેલો માણસ રોફ જમાવતો હતો, જેથી પોલીસ કન્ટ્રોલમાં ફોન કર્યો હતો. આથી પીઆઈ તેમજ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો બાતમીના આધારે આ નકલી પોલીસને શોધવા નીકળ્યા હતા.
આ દરમિયાન વીજળીઘર ચાર રસ્તા પાસે આવતા નકલી પોલીસ જેવા દેખાતા શખ્સની અટકાયત કરી હતી. પોલીસે આ શખ્સની અટકાયત કરીને તેની પુછપરછ કરતાં તેણે તેનું નામ બાબુ પટેલ ઉર્ફે રમેશ પટેલ હોવાનું જણાવ્યું હતું. આ પકડાયેલા શખ્સ પાસેથી એક આઈકાર્ડ પણ મળ્યું હતું,
જેમાં પોલીસ ઈન્સ્પેકટર અમરસિંહ પર્વતસિંહ જાડેજા અમદાાદ, વડોદરા, સુરત અને રાજકોટ ગુજરાત સરકાર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ લખેલું હતું. આ પકડાયેલ શખ્સે રોફ જમાવવા માટે પોલીસની ખોટી ઓળખ ઉભી કરી હોવાથી પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.