Western Times News

Gujarati News

ડો. પંકજ નાગરની ૩૪ વર્ષની અંબાજીની પદયાત્રાને લિમ્કા રેકોર્ડમાં સ્થાન અપાયું

પાલનપુર, શક્તિપીઠ અંબાજી ખાતે તા.પ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલો ભાદરવી પૂનમનો મેળો અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે.

માં અંબામાં અતૂટ આસ્થા, શ્રદ્ધા ધરાવતા લગભગ રપ લાખ જેટલા માઈભક્તોએ મેળા દરમિયાન માં ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે કેટલાક માઈ ભકતો એવા છે કે જેમણે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવતને સાર્થક કરી બતાવી છે.

આવા માઈ ભક્તોએ એકધારી અવિરત અને વણથંભી અંબાજી પદયાત્રા કરી તેની રજતજયંતિ કરતા પણ વધુ વર્ષોથી પોતાની શ્રદ્ધા ટકાવી રાખી છે. આવા માઈ ભક્તોએ આસ્થાની આ દોટને હિમાલયની ટોચ જેટલું ઉચું સ્થાન આપી અનેક માઈભક્તો માટે પ્રેરણા સ્ત્રોતરૂપી ઉદાહરણ પુરું પાડયું છે.

ગમે તેવા પ્રતિકૂળ સંજાેગોમાં પણ માં અંબા પ્રત્યેની તેમની શ્રદ્ધા આસ્થા ડગી નથી અને જગત જનની માં અંબાએ પણ પોતાના ભક્તો પર કૃપા વરસાવતા તેમની આ શ્રદ્ધાનું ફળ તેમને આપ્યું છે. આવા જ એક માઈ ભક્ત એટલે અમદાવાદના ડો. પંકજભાઈ નાગર કે જેઓ સતત ૩૪ વર્ષથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં માં અંબાના દર્શન કરવા આવે છે.

માં અંબા પ્રત્યે તેમની આ અનોખી અતૂટ શ્રદ્ધાને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે અને તેમની અવિરત અંબાજી પદયાત્રાને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવાઈ છે. તેમની આ અદ્‌ભુત અને વિરલ સિદ્ધિને પંકજભાઈએ માં અંબાના આશીર્વાદ ગણાવી જયાં સુધી શરીરમાં હામ રહેશે ત્યાં સુધી અંબાજી માના દર્શને આવીશ એવા આત્મવિશ્વાસ સાથે માં અંબા પ્રત્યે અડગ શ્રદ્ધા વ્યકત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.