હેન્ડબોલ અને જીમ્નાસ્ટિક સ્પર્ધા માટે નવા કલેવર ધારણ કરતું સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
૩૬મી નેશનલ ગેમ્સને વડોદરાનું કાયમી સંભારણું બનાવવા માટે તડામાર તૈયારી-આર્ટસ્ટિક, રિધમિક અને ટ્રેમ્પોલિન ઉપર જીમ્નાસ્ટિક થશે, તેના માટે એપ્રેટ્સ ખાસ દિલ્હીથી આવશે
આલેખન – દર્શન ત્રિવેદી
વડોદરા, વડોદરાના રમતગમતના ઇતિહાસમાં ૩૬મી રાષ્ટ્રીય રમતોનું આયોજન અંકિત થવા જઇ રહ્યું છે. નેશનલ ગેમ્સની બે રમતો હેન્ડબોલ અને જીમ્નાસ્ટિક આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ યોજાઇ એ માટે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ઓલ્મ્પિકના માપદંડો મુજબ કોર્ટ્સ તૈયાર કરવા ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દર્શકોને કોઇ અગવડતા ના પડે એ માટે સુવિધાઓ ઉભી કરવાની સાથે હયાત સુવિધાઓને બહેતર બનાવવામાં આવી રહી છે.
સમા કોમ્પ્લેક્સનું સંચાલન કરતી રાજ્ય સરકાર હસ્તકની વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન કંપનીના સીઇઓ શ્રી રોહન ભણગેએ જણાવ્યું કે, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હેન્ડબોલની સ્પર્ધા તા. ૩૦ સપ્ટેમ્બરથી તા. ૪ ઓક્ટોબર સુધી અને જીમ્નાસ્ટિકની સ્પર્ધા તા. ૬થી ૧૨ ઓક્ટોબરના રોજ યોજાવાની છે. સ્પર્ધાના આ ૧૧ દિવસ વડોદરા શહેરમાં દેશભરના ખેલાડીઓનો મેળાવડો જામશે. વડોદરાના રમતપ્રેમીઓને ઉક્ત બન્ને રમતોના ઉચ્ચ કક્ષાના કૌશલ્યો કદાચ પ્રથમવાર નીહાળવા મળશે.
વડોદરા માટે નેશનલ ગેમ્સનું આયોજન કાયમી સંભારણું બની રહે એ માટે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કાયાપલટ કરવામાં આવી રહી છે. રમતોના દિવસે ખેલાડીઓની અલગથી એન્ટ્રી મળે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. સ્પોર્ટ્સ હોલમાં એર કન્ડિશનિંગ દુરસ્ત કરવામાં આવી રહ્યું છે. દર્શકોને પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ થાય એ માટે વોટર કૂલર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
ખાસ તો બન્ને રમતો માટેના ઇન્ડોર ગ્રાઉન્ડને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. હેન્ડબોલ માટે સિન્થેટિકનું મેદાન રહેશે. તે પહેલા જીમ્નાસ્ટિક માટે એપ્રેટ્સ રોપવા માટે ખોદવામાં આવ્યા છે. આ એપ્રેટ્સ ખાસ દિલ્હીથી આવી રહ્યા છે. એ તા. ૧૮ સુધીમાં આવી જાય એવી શક્યતા છે.
કોચ શ્રી હિમાંશુ દવેએ જણાવ્યું કે, જીમ્નાસ્ટીકની રમતો રસપ્રદ સાથે માણવા લાયક બની રહેવાની છે. ત્રણ પ્રકારની જીમ્નાસ્ટિક થવાની છે. આર્ટસ્ટિક, રિધમિક અને ટ્રેમ્પોલિન ઉપર જીમ્નાસ્ટિક થશે. ભાઇઓ અને બહેનોની આર્ટીસ્ટિક જીમ્નાસ્ટિક થશે. જેમાં ભાઇઓ માટે છ અને બહેનો માટે ચાર એપ્રેટ્સમાં આઠથી અગિયાર કરતબ સમુહમાં જીમ્નાસ્ટિક કરાશે. જ્યારે, બહેનો માટેની રિધમિક જીમ્નાસ્ટિકમાં બોલ, રિબન, હૂપ અને ક્લબ્સ પ્રકારના કરતબો થશે.
જીમ્નાસ્ટિક મુખ્યત્વે એક્રોબેટિક્સ અને ટ્રમ્બલિંગ પ્રકારે થતી હોય છે. ટ્રેમ્પોલીનની રમત જોવાની મજા આવે એવી છે. ટ્રોમ્પોલિનમાં ત્રણ બાય બે મિટરની લાંબી સ્પ્રિન્ગ વાળું ટ્રેમ્પોલિન મૂકવામાં આવે છે. તેના ઉપર કૂદકો મારીને હવામાં ફ્લિપ મારવાના કરતબો કરવામાં આવે છે. તેના આધારે તેનું ગુણાંકન કરવામાં આવે છે.