Western Times News

Gujarati News

અમદાવાદમાં લોકોના ઘરોના ACમાંથી નીકળી રહ્યા છે સાપ

અમદાવાદ, કલ્પના કરો કે તમે બેડ પર ઊંઘી રહ્યા હો અને ઉપર લાગેલા એસીમાંથી કંઈક અવાજ આવે. તમે ઉપરની તરફ જુઓ ત્યારે એસી યુનિટમાં ઝડપથી પાછા સરકી રહેલા સાપની પૂંછડી દેખાય ત્યારે શું હાલત થાય? મોતિયા મરી જાયને? અમદવાદમાં ઉનાળા દરમિયાન પડતી અસહ્ય ગરમીના કારણે લોકો માટે એર કન્ડિશનર જરૂરિયાત બની ચૂક્યું છે.

પરંતુ આ જ એસી સાપો માટે ‘ચીલ’ કરવાના નવા ઠેકાણા તરીકે ઉદ્ભવી રહ્યું છે. છેલ્લા થોડા મહિનામાં સાપનું રેસ્ક્યૂ કરતાં લોકોને રોજના સરેરાશ ૧૦-૧૨ ફોન આવે છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વિવિધ મકાનોના એસી યુનિટમાં છુપાઈને બેઠેલા સાપને રેસક્યૂ કરવા માટે ફોન આવે છે.

આ વર્ષે પહેલીવાર અમને સોલા, શિલજ અને બોપલના બંગલાઓમાં રહેતા લોકો તરફથી અમને ઘણાં ફોન આવ્યા હતા. પાછલા બે મહિનામાં જ અમે આ વિસ્તારોમાં લગાવવામાં આવેલા એસીમાં છુપાઈને બેઠેલા ૧૫ સાપનું રેસ્ક્યૂ કર્યું હતું.

એક કિસ્સો તો એવો હતો કે, શિલજ રેલવે ક્રોસિંગ પાસે આવેલા એક અપાર્ટમેન્ટના ચોથા માળ સુધી સાપ પહોંચી ગયો હતો અને લપાઈને બેઠો હતો, રેસ્ક્યૂઅરોનું કહેવું છે. બચાવકાર્ય કરતાં લોકોએ બિનઝેરી સાપ જેવા કે વરુદંતી (વુલ્ફ સ્નેક) અને ધામણ (રેટ સ્નેક)ને પકડ્યા છે.

ઉપરાંત કાળોતરો, ખડચિતડ, નાગ અને ફુરસા જેવા ઝેરી સાપોનું પણ રેસ્ક્યૂ કર્યું છે. એસીમાં સાપ લપાઈને બેઠા હોય તેવા કિસ્સા શા માટે વધી રહ્યા છે? તેનું કારણ જણાવતાં રેસ્ક્યૂઅરોનું કહેવું છે, ચોમાસા દરમિયાન એસીનો ઉપયોગ ખૂબ ઓછો થાય છે. પક્ષીઓ એસીના એક્સટર્નલ યુનિટમાં માળો બાંધીને ઈંડામાં સેવે છે. આ સરીસૃપ પ્રજાતિ આ માળાઓને નિશાન બનાવે છે.

ઈંડાને પોતાનો ખોરાક બનાવ્યા પછી સાપ એસીમાં જ આરામ કરે છે. આ ઉપરાંત સાપ ઘરમાં રહેલા ઉંદરો અને ગરોળીઓનો પણ શિકાર કરે છે. સાપ ઠંડા અને અંધારાવાળી જગ્યામાં આશરો લેવાનું પસંદ કરે છે. અમે ફ્રીજ અને વોશિંગ મશીનમાં પણ છુપાઈને બેઠેલા સાપોનું રેસ્ક્યૂ કર્યું છે.

સદ્ભાવના ફાઉન્ડેશનના બચાવકર્તા રણજીત ઠાકોરે કહ્યું, “શહેરના પશ્ચિમ ભાગોમાંથી પણ અમને સૌથી વધુ ફોન શિલજ એરિયામાંથી આવ્યા છે. અમે આ વિસ્તારમાંથી ઓછામાં ઓછા ૩૦ સાપનું રેસ્ક્યૂ કર્યું છે. તેમાંથી ઘણાં સાપ એસીના એક્સટર્નલ યુનિટમાં છુપાઈને બેઠા હતા.”

તેમણે કલ્હાર બંગલોઝ અને આર્યન બંગ્લોઝના વિન્ડો એસી અને સ્પ્લિટ એસીમાંથી સાપને બચાવ્યા હતા. પાયથન મોલ્યૂરસ નામના સાપ રેસ્ક્યૂ ગ્રુપના ઉદય મહેતાએ જણાવ્યું કે, તેમણે એસી યુનિટમાંથી ૩-૪ સાપનું રેસ્ક્યૂ કર્યું છે. “અમે રાજ રેસિડન્સી, શાલિન બંગ્લોઝ અને આર્યન સોસાયટીમાંથી સાપનું રેસ્ક્યૂ કર્યું છે. ચોમાસામાં દેડકાની સંખ્યા વધી જાય છે અને સાપ તેમનો શિકાર કરવા નીકળે છે.

પરિણામે ચોમાસા દરમિયાન અમને આવા ફોન વધારે આવે છે.” કાંકરિયામાં આવેલા કમલા નહેરૂ ઝૂઓલોજીકલ પાર્કના ડાયરેક્ટર આર.કે. સાહુએ કહ્યું, “સાપનું લોહી ઠંડું હોય છે અને તેઓ અતિશય ઠંડી કે અતિશય ગરમી સહન નથી કરી શકતા.

આ જ કારણે ચોમાસામાં વધારે સાપ બહાર દેખાય છે. સાપના બચાવકર્તાઓનું માનીએ તો આ સ્થિતિ માત્ર પશ્ચિમ અમદાવાદ પૂરતી જ સીમિત નથી.

શહેરના પૂર્વ વિસ્તારમાં સાપનું બચાવકાર્ય કરતાં લક્ષ્મી તિવારીએ કહ્યું, “અમે સાપનું રેસ્ક્યૂ માત્ર ફ્લેટોમાંથી જ નહીં પરંતુ વ્યસ્ત ગણાતાં અનાજ બજાર અને કાપડ બજારમાં આવેલા દુકાનોના એસી યુનિટમાંથી પણ કર્યું છે. યોગ્ય રીતે સીલ ના કરાયેલી પાઈપોમાં થઈને સાપ અંદર સરકી જાય છે. સાપનું રેસ્ક્યૂ કરતાં સૌમ્યા શેખે કહ્યું, “વરસાદના કારણે સાપના દરમાં પાણી ભરાઈ જાય છે.

જેથી તેઓ આવા ઉપકરણોમાં આશરો લે છે. જાે એસી યૂનિટમાંથી ૧૦ સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોય તો તેમાંથી બે પહેલા કે બીજા માળેલા આવેલા ફ્લેટોમાંથી મળી આવ્યા હશે.”

સનાથલની કેપી વિલાસ સોસાયટીમાં એક ફ્રીજમાં છુપાઈને બેઠેલા સાપને રેસ્ક્યૂ કરવા માટે વરુણ કામેજલિયાને ફોન આવ્યો હતો. તેમણે કહ્યું, “મેં મીઠાખળીમાં ચોથા માળે આવેલા એક ફ્લેટના વોશિંગ મશીનમાંથી સાપનું રેસ્ક્યૂ કર્યું હતું.” દરમિયાન સુરેઠ ઠાકોર નામના રેસ્ક્યૂઅરે કારની અંદર છુપાયેલા સાપોનું રેસ્ક્યૂ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.