Western Times News

Gujarati News

મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષના 5 લાખથી વધુના દેવાદારોને સીબીલ સાથે સાંકળવામાં આવશે

૭પ ટકા રીબેટ યોજના અંતર્ગત રૂા.ર૯ કરોડની આવક થઈ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ દ્વારા મોટા દેવાદારો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. પ્રોપર્ટી ટેક્ષના દેવાદારોની મિલ્કતો સીલ કરવાની શરૂઆત થઈ છે સાથે સાથે મનપા ના ઈતિહાસમાં પ્રથમ વખત રૂા.પાંચ લાખ કરતા વધુ મિલ્કતવેરો બાકી હોય તેવી કોમર્શીયલ મિલ્કતોને સીબીલ સાથે જાેડવા પ્રયાસ થઈ રહયા છે.

મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ૭પ ટકા રીબેટ યોજનાને સારો પ્રતિસાદ મળી રહયો છે. મ્યુનિ. રેવન્યુ કમીટી ચેરમેન જૈનિક વકીલ અને ડે. ચેરમેન પ્રદીપ દવેના જણાવ્યા મુજબ જે કોમર્શીયલ મિલ્કત ધારકોનો પ્રોપર્ટી ટેક્ષ રૂા.પાંચ લાખ કે તેથી વધુ બાકી હશે તેમને સીબીલ સાથે સાંકળવા ચર્ચા ચાલી રહી છે સીબીલ સ્કોર નકકી કરતી વખતે પ્રોપર્ટી ટેક્ષને પણ ધ્યાનમાં લેવામાં આવે તો સીબીલ સ્કોરમાં ઘટાડો થશે જેના કારણે તમામ વ્યક્તિ/ સંસ્થા નિયમિત ટેક્ષ ભરપાઈ કરશે.

ર૦રર-ર૩માં ટેક્ષની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ર૦ર૧-રર માં ૧ એપ્રિલથી ૧૪ સપ્ટેમ્બર સુધી ટેક્ષ પેટે કુલ રૂા.૬ર૪.૭૯ કરોડની આવક થઈ હતી જેની સામે ચાલુ વરસે આ જ સમયગાળા દરમ્યાન રૂા.૭૪૩.૧ર કરોડની આવક થઈ છે આમ, પાછલા નાણાકીય વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વરસે આવકમાં રૂા.૧૧૮.૩૩ કરોડનો વધારો થયો છે.

દેશની આઝાદીના ૭પ વર્ષ નિમિતે “આઝાદીનું અમૃત મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૦૮ ઓગસ્ટથી ર૧ ઓકટોબર સુધી ૭પ ટકા વ્યાજ રાહત આપવામાં આવી છે.

સદ્‌ર યોજના અંતર્ગત ૧૩ સપ્ટેમ્બર સુધી રૂા.ર૮.૮૧ કરોડની આવક થઈ છે. કુલ રર૭૬૭ કરદાતાઓ દ્વારા ટેક્ષ ભરપાઈ કરવામાં આવ્યો છે તેમને રૂા.૬.૭૪ કરોડનું રીબેટ આપવામાં આવ્યુ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.