Western Times News

Gujarati News

આંગણવાડી કાર્યકરને રૂ.૧૦ હજાર અને આંગણવાડી તેડાગરને રૂ.૫૫૦૦ માનદ વેતન અપાશે

પ્રતિકાત્મક

રાજય સરકારનો મહત્વનો નિર્ણય-આંગણવાડી કાર્યકર/તેડાગરના માનદ વેતનમાં નોધપાત્ર વધારો કરાયો: પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

૧૮૦૦ મીની આંગણવાડી કેંદ્રને રેગ્યુલર આંગણવાડીમાં કન્વર્ટ કરાશે

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી જણાવ્યુ છે કે, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અને આર્થિક ઉત્થાન માટે રાજ્ય
સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની આંગણવાડી તેડાગર અને
આંગણવાડી કાર્યકરના માનદ વતનમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જ્યારે રાજ્યની 1800 મીની આંગણવાડી કેન્દ્રોને રેગ્યુલર આંગણવાડી કેન્દ્રમાં પણ કન્વર્ટ કરવામાં આવશે.

મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ તેમજ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રીશ્રી વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરને હાલ રૂ.૭૮૦૦ માનદ વેતન અપાતું હતું

તેમાં રૂ.૨૨૦૦નો વધારો કરીને રૂ.૧૦,૦૦૦ માનદ વેતન ચૂકવાશે. એ જ રીતે આંગણવાડી તેડાગરને હાલ રૂ.૩૯૫૦ માનદ વેતન ચૂકવાતું હતું એમાં રૂ.૧૫૫૦નો વધારો કરીને હવે રૂ.૫૫૦૦ ચૂકવવામાં આવશે. આ માટે રાજય સરકાર રૂ.૨૩૦.૫૨ કરોડનો વધારાનો ખર્ચ કરશે. આ નિર્ણયને પરિણામે ૫૧,૨૨૯ આંગણવાડી કાર્યકર અને ૫૧,૨૨૯ આંગણવાડી તેડાગર માનદ કર્મીઓ અને તેમના પરિવારજનો ને લાભ થશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ૧૮૦૦ મીની આંગણવાડી કેંદ્રને રેગ્યુલર આંગણવાડીમાં કન્વર્ટ કરવાના આ નિર્ણયથી મીની
આંગણવાડી કાર્યકરની જગ્યાને આંગણવાડી કાર્યકરની જગ્યામાં અપગ્રેડ કરવામાં આવેલ છે. આ જગ્યા માટે સરકારને વધારાનો રુ.૧૮.૮૨ કરોડનો વાર્ષિક ખર્ચ આવશે.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ શ્રી અરુણભાઈ મહેતા, આંગણવાડી કર્મચારી સભા, ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રી સી.એમ પટેલ, ભારતીય મજદૂર સંઘના મહામંત્રી શ્રી વી.પી પરમાર તેમજ અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ શ્રી કિરણકુમાર કવિ સહિતના તમામ સંગઠનો દ્વારા રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને આવકારવામાં આવ્યો છે અને આ નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રીમંડળની કમિટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.