રાજ્યની ચાર કૃષિ તથા કામઘેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની ૨૧૯૭ જગ્યાઓ ભરાશે
કૃષિ યુનિવર્સિટીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓની બેઠકમાં લેવાયો નિર્ણય
કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોને સરકારી સેવા દ્વારા જનહિતલક્ષી કાર્યો કરવાનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશિલ છે. તેના ભાગરૂપે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની ૨૧૯૭ જગ્યાઓ સત્વરે ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
તા. ૧૪/૦૯/૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ સાથે યોજાયેલ બેઠકમાં સત્વરે આ ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. આ બેઠકમાં ચાલુ વર્ષ દરમ્યાન યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ વિદ્યાશાખાના પોલીટેકનિક, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમો માં પ્રવેશની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
તેમણે ઉમેર્યુ કે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ કેડરની શૈક્ષણિક સંવર્ગની ૮૫૩ અને બિન શૈક્ષણિક ૧૩૪૪ સંવર્ગની જગ્યાઓ મળી કુલ ૨૧૯૭ જગ્યાઓ ભરવાની કાર્યવાહી સત્વરે શરૂ કરાશે. જેથી રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટી હસ્તક ચાલતા વિવિધ અભ્યાસક્રમો, સંશોધન, તાલીમ વિગેરેની કામગીરી વેગવંતી બનશે,ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ, રોપા, કલમો વિગેરે સરળતાથી ઉપલબ્ધ થશે તથા ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઝડપ આવશે.
બેઠક દરમિયાન કૃષિ મંત્રીશ્રીએ કૃષિ યુનિવર્સિટીઓને ખેડૂત અને ખેતીના હિતને લઈને સઘન પ્રયત્નો હાથ ધરી સંશોધનો કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.