Western Times News

Gujarati News

વડાપ્રધાનના જન્મદિવસે યોજાયું, વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન – મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો થયો પ્રારંભ

રક્તદાન જેવા લોકઉપયોગી કાર્યકમ થકી સમાજમાં જનજાગૃતિ આવે છે-શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ સેવા કાર્યોને જ પ્રાધાન્ય આપ્યું છે-સરકારી યોજનાના લાભ છેવાડાના માનવી સુધી સતત પહોંચાડવામાં આવી રહ્યા છે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન – મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ રક્તદાન અભિયાન આયોજિત કરવા બદલ સમાજના સૌ આગેવાનો અને યુવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, આટલું મોટું આયોજન રક્તદાન માટે સૌપ્રથમવાર થઈ રહ્યું છે.

શ્રી નરેન્દ્ર ભાઈ મોદી હરહંમેશ સેવાના કાર્યોને જ પ્રાથમિકતા આપતા આવ્યા છે. સામાન્યમાં સામાન્ય અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચાડવા માટે શ્રી નરેન્દ્ર ભાઈના સતત પ્રયાસો રહ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.

મુખ્યમંત્રી શ્રી એ કહ્યું કે, આ પ્રકારના લોકઉપયોગી આયોજન થકી સમાજમાં જાગૃતિ આવે છે. વધુમાં વધુ યુવાનો અને સમાજ આવા અભિયાનમાં જોડાય તેવી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અપીલ પણ કરી હતી.

આ અવસરે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવના સલાહકાર શ્રી મુકેશ ગુગલિયાએ જણાવ્યું કે અમારો લક્ષ્યાંક દેશ અને વિદેશમાં પ્રવાસી ભારતીય નાગરિકો દ્વારા આશરે 2000 રક્તદાન શિબિરોનું આયોજન કરીને અંદાજે 1,50,000 યુનિટથી વધુ રક્તદાન મેળવવાનો છે. આ સંસ્થાએ પૂર્વમાં પણ 2012 અને 2014માં એક લાખથી વધુ રક્ત યુનિટ એકત્રિત કરી ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનો નામ નોંધાવ્યું  છે.

આ અવસરે કાઉન્સિલર શ્રીઓ, તેરાપંથ યુવક પરિષદ અમદાવાદના પ્રમુખ, સભ્યશ્રીઓ, મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ સાથે સંકળાયેલા વોલિયનટીયર્સ, સમાજના આગેવાનો  તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.