પ્રિયંકા ગાંધી ગુજરાતમાં રોડ શો કરે તેવી શક્યતા !
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ દિગ્ગજ નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી રહ્યા છે. મોદી, શાહ અને કેજરીવાલ સતત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ મુલાકાતે આવી ગયા છે.
૩૦ સપ્ટેમ્બર આસપાસ પ્રિયંકા ગુજરાત આવી શકે છે. વડોદરા ખાતે પ્રિયંકા ગાંધી રોડ શો કરી શકે છે. ઉપરાંત આણંદ ખાતે મહિલા સંમેલનને સંબોધી શકે છે. આણંદ અથવા વડોદરામાં ગરબામાં પણ ભાગ લઈ શકે છે. હાલ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને કોંગ્રેસ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીને અંતર્ગત ભાજપ પણ તડામાર તૈયારીમાં લાગી ગયું છે. વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં ધમધમાટ જાેવા મળી રહ્યો છે. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવશે.આજે મોડી રાત્રે નડ્ડા અમદાવાદ પહોંચશે.
નડ્ડા અહીં રાજકીય અને સામાજિક પરિસ્થિતિનો ચિતાર મેળશે..આ સાથે જ મેયર કોન્ફરન્સને સંબોધન પણ કરશે. અમદાવાદ બાદ તેઓ રાજકોટની પણ મુલાકાત લેશે. રાજકોટમાં ભાજપનું મહાસંમેલન યોજાશે. જેમાં ભાજપના પ્રદેશ જિલ્લાના હોદ્દેદાર, સહકારી આગેવાન, જિલ્લા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે.
આ મહાસંમેલનમાં નડ્ડા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. મિશન ગુજરાત અંતર્ગત કેન્દ્રના દિગ્ગજ નેતાઓની જંગી સભાઓ, રેલીઓ યોજાશે. આ જંગ એ પ્રતિષ્ઠાનો જંગ રહેશે. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને આપ પાર્ટી કાંટાની ટક્કર આપશે કે નહીં તે પણ હવે જાેવાનું રહ્યું. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ તડામાર તૈયારી કરી રહ્યુ છે.