ટાગોર હોલ ખાતે ગુજરાતી અસ્મિતાની ઝાંખી કરાવતો ગુજરાતી ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી નીમાબહેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિ
યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી શ્રી સ્થાનકવાસી જૈન લેડીઝ કલબ દ્વારા યોજાયો ‘વંદે ગુજરાત, જય જય ગરવી ગુજરાત’ કાર્યક્રમ
અમદાવાદમાં ટાગોર હોલ ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સહયોગથી શ્રી સ્થાનકવાસી જૈન લેડીઝ કલબ દ્વારા ‘વંદે ગુજરાત, જય જય ગરવી ગુજરાત’ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી નિમાબહેન આચાર્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ એ મુખ્યત્વે ગુજરાતી અસ્મિતાની ઝાંખી કરાવતો ગુજરાતી ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ કલાકારો દ્વારા દેશભકિતના સુંદર ગીતો ગાવામાં આવ્યા હતા અને સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી નિમાબહેન આચાર્યે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે લોકો પાસે ભિક્ષા માંગી હતી અને જણાવ્યું હતું કે, હું ભિક્ષુક છું, ભિક્ષામાં મને વચન આપો કે તમે તમારી દીકરીને ભણાવશો. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણને લગતા અનેક કાર્યો થઈ રહ્યાં છે.
વધુમાં શ્રીમતી નિમાબહેન આચાર્યએ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌ પ્રથમ વાર રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અલગ બનાવ્યો.
શ્રીમતી નિમાબહેને સ્થાનકવાસી જૈન લેડીઝ કલબ વિશે જણાવ્યું હતું કે, સ્થાનકવાસી લેડીઝ કલબ એ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આશરે 1500 બહેનોનું વિશાળ ગ્રુપ ધરાવતી આ કલબ અનેક સામાજિક કર્યો થકી સેવાની સુવાસ પ્રસરાવી રહી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, અવિરત સેવા કરતી સ્થાનકવાસી લેડીઝ કલબ અમદાવાદની સૌથી વધુ એવોર્ડ વિજેતા સંસ્થા છે.
શ્રીમતી નિમાબહેને આ પ્રસંગે ઉપસ્થિત રહેલી બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે, જૈન લેડીઝ કલબની શરૂઆત માત્ર મનોરંજન કે આંનદ માટે કરવામાં નથી આવી પરંતુ તે ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક સ્વાસ્થ્ય, બાળ વિકાસ અને સ્થાનકવાસી જૈન પરિવારોની સ્ત્રી બાળકને અને તેમના પરિવારના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી છે.
આ પ્રસંગે બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.