Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે એમ્બ્યુલન્સમાં જ બાળકનો જન્મ થયો

ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો ભૂસ્ખલનને કારણે અનેક વાહનોને પણ નુકસાન થયું હતું

જમ્મુ,  જમ્મુ-કાશ્મીરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. જેના પગલે એક મહિલાએ એમ્બ્યુલન્સમાં બાળકને જન્મ આપવો પડ્યો હતો. પહાડો પરથી પથ્થરો પડતા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર પથ્થરોનો ઢગલો થઈ ગયો હતો.

જેના કારણે રોડ પરથી પથ્થરો હટાવવા માટે વાહનોની અવરજવર બંધ થઈ જતાં એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા. વાહનોની લાંબી કતારમાં એક એમ્બ્યુલન્સ પણ સામેલ હતી, જેમાં એક ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી.

સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતુ કે આ ઘટના શનિવારે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનથી વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો, જેના કારણે ૨૨ વર્ષીય મહિલાએ એમ્બ્યુલન્સમાં તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લા હોસ્પિટલ જતા સમયે એમ્બ્યુલન્સ અધવચ્ચે ફસાઈ ગઈ હતી.

પછી ગર્ભવતી મહિલા શાહીનાની એમ્બ્યુલન્સમાં જ સહાયક કર્મચારીઓની મદદથી ડિલિવરી કરવામાં આવી હતી. મહેર સ્થિત કાફેટેરિયા નજીક હાઈવે પર ડુંગર પરથી પથ્થર પડતા સવારથી વાહન વ્યવહાર પર અસર જાેવા મળી રહી હતી. ભૂસ્ખલનને કારણે અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. જાેકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી.

શાહીનાના પતિ મોહમ્મદ યુસુફે કહ્યું હતુ કે ‘જ્યારે અમે રામબન કે ગુલથી લગભગ ૩૫ કિમી દૂર કરોલ પહોંચ્યા, ત્યારે હાઈવે પર ભારે જામ હતો. જાે કે સેનાના જવાનોએ એમ્બ્યુલન્સ માટે થોડો રસ્તો કાઢ્યો હતો. પરંતુ પથ્થરોના કારણે એમ્બ્યુલન્સ ફરી મહેર પાસે અટવાઈ ગઈ હતી.

તેમણે કહ્યું, ‘તબીબી સહાયકોએ એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડિલિવરી કરવાની યોજના બનાવી અને તમામ વ્યવસ્થા કરી.’ શાહીના અને નવજાત બંનેને સમયસર હોસ્પિટલમાં લઈ જવા બદલ શાહીનાના પતિ યુસુફે મેડિકલ સ્ટાફ, આર્મી, પોલીસ અને નાગરિક સ્વયંસેવકોનો આભાર માન્યો હતો.

સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ જવાના રસ્તે શાહીનાની સાથે સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં જઈ રહેલી નર્સે કહ્યું, “અમે બે કલાકથી વધુ સમય સુધી જામમાં ફસાયેલા હતા. દર્દીની તબિયત બગડતાં અમે ત્યાં જ ડિલિવરી કરવાનું નક્કી કર્યું. હવે માતા અને બાળક બંને હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત સ્થિર છે.’ તે જ સમયે, ટ્રાફિક વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પહાડી પરથી પથ્થરો ખસી જવાને કારણે બંને બાજુથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.