Western Times News

Gujarati News

વડોદરાના યુનાઈટેડ વે ગરબામાં ખેલૈયાઓએ હોબાળો કર્યો

વડોદરા :વડોદરાના જાણીતા યુનાઇટેડ ગરબાની શરૂઆત આ વર્ષે વિવાદથી ભારે હોબાળો થયો હતો. યુનાઇટેડ વેના ગરબામાં અણઘડ આયોજન ખુલ્લું પડ્યું છે. સતત બીજા દિવસે કાંકરા વાગતાં ખેલૈયા ઉશ્કેરાયા હતા.

હોબાળાને પગલે ઇન્ટરવલ બાદ ગરબા બંધ કરવા પડ્યા હતા. ગરબા બંધ કરી ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં જ વિરોધ કર્યો હતો. આ વિરોધને પગલે ગરબા ગાયક અતુલ પુરોહિતનાં માથે પથ્થર વાગ્યો હતો. ત્યારે અતુલ પુરોહિતે નારાજ ખેલૈયાઓને ખાતરી આપી હતી કે, હવે જો આવતીકાલથી કાંકરા હશે તો ગરબા નહીં ગાઉં.

 

વડોદરાના યુનાઈટેડ વેના ગરબા આ વર્ષે વિવાદોમાં આવ્યા છે. વડોદરામાં સતત બીજા દિવસે યુનાઈટેડ વે ના ગરબામાં મેદાનમાં કાંકરાને લઈને હોબાળો થયો હતો. પહેલા જ દિવસે ગરબા ખેલૈયાઓએ મેદાનમાં કાંકરી વાગતા હોવાની ફરિયાદ કરી હતી, અને વિરોધ વ્યક્ત કર્યો હતો.

જેના બાદ બીજા દિવસે મેદાનમાંથી પથ્થર ઉપાડવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે બીજા દિવસે પણ ખેલૈયાઓને મેદાનમાં ગરબા રમતા રમતા પત્થર વાગ્યા હતા. મેદાનમાં પથ્થર વાગતા ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવતા મામલો ગરમાયો હતો. ખેલૈયાઓએ સતત બીજા દિવસે ‘પથ્થર પથ્થર’ના સૂત્રોચ્ચાર લગાવ્યા હતા. એટલુ જ નહિ, ખેલૈયાઓએ આયોજકો પાસે પાસના નાણાં પરત માંગ્યા હતા.

તો બીજી તરફ, ખેલૈયાઓ રોષે ભરાતા ગરબાનાં આયોજકો છૂમંતર થઈ ગયા હતા. આયોજકો ગાયબ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હોબાળો થતાં વડોદરા પોલીસે બાજી સંભાળવી પડી હતી. નારાજ ખેલૈયાઓનો રિફંડ માટે પાસ કાઉન્ટર પર હોબાળો કર્યો હતો. આયોજકોથી નારાજ ખેલૈયાઓએ ગ્રાઉન્ડની બહાર ગરબા કર્યા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ખેલૈયાઓએ ભારે હોબાળો કરતાં સ્ટેજ પર પોલીસ અધિકારીને આવવાની ફરજ પડી હતી. પોલીસ અધિકારીએ ખેલૈયાઓને સમજાવવાની પ્રયાસો કર્યો હતો, તેમજ હોબાળો ન મચાવવા અપીલ કરી હતી.

હોબાળાના કારણે લો એન્ડ ઓર્ડરથી સ્થિતિ બગડવાનો પોલીસને ડર રહ્યો હતો. પોલીસ અધિકારીએ ખેલૈયાઓએ લેખિતમાં ફરિયાદ કરવા સૂચન કર્યું. તો બીજી તરફ, લોકોએ યુનાઇટેડ વેનાં પાસ કાઉન્ટર પર જઇ રિફંડ માંગી બબાલ કરતાં આયોજકોને ભાગવું પડ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.