પંચોળી અને છારા સમાજનો ગાંધીનગર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માસભર અભિવાદન કર્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, દ્રઢ નિર્ધાર અને મક્કમ મનોબળ સાથે નીકળી પડેલી માત્ર એક વ્યક્તિ પણ સમાજમાં અનેક બદલાવ લાવી શકે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વાતને સ્વચ્છતા અભિયાન, ડિજીટલ ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, યોગ પ્રચાર જેવા કાર્યો કરી પૂરવાર કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં આયોજિત પંચોળી અને છારા સમાજના સ્નેહમિલનમાં સંબોધન કરી રહ્યા હતા. આ પ્રસંગે સામાજિક અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, લોકોમાં શિક્ષણ, તાલીમ અને ઉદ્યમ પ્રેરવાથી સામાજિક બદીઓ દૂર કરવાના સેવાકાર્યો સરળ બની જતાં હોય છે. સમાજના ઉત્કર્ષ માટે અન્ય કોઈ સાથ આપે ન આપે જાગૃત નાગરિકોએ તો ‘એકલા ચાલો રે’ નો ભાવ દ્રઢ કરી મંડ્યા રહેવું જોઈએ, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારોએ કોવિડ નિયંત્રણ, વ્યાપક રસીકરણ અને સારવારના જે પગલાં લીધાં તેની નોંધ વિશ્વના દેશોએ પણ લીધી છે. નિઃશુલ્ક વેક્સિનેશન સાથે કોરોનાના કપરા સમયમાં કોઈએ ભૂખ્યા ન સૂવું પડે, તે માટે વડાપ્રધાનશ્રીએ નિઃશુલ્ક અનાજનું પણ વિતરણ કર્યું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ અને ગુજરાતનું અર્થતંત્ર ફૂલી-ફાલી
રહ્યું છે. તાજેતરના અહેવાલ મુજબ ભારતે બ્રિટનને પાછળ રાખી વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમીનું સ્થાન મેળવી લીધું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ડબલ એન્જિનની સરકારને પરિણામે ગુજરાત વિકાસના માર્ગે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારનું આર્થિક વ્યવસ્થાપન નીતિ આયોગના અહેવાલ પ્રમાણે દેશમાં સર્વશ્રેષ્ઠ છે. આ વર્ષનું સરકારનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે.
આ પ્રસંગે બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષશ્રી ભગવાનદાસ પંચાલ, ઉપાધ્યક્ષશ્રી મયંક નાયક, સામાજિક અગ્રણી સર્વે શ્રી હિતેશ ગાંધી, શ્રી ભાનુભાઈ પંચોળી, શ્રી રતન ઓડેકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.