T20 IND vs SA:સૂર્યકુમાર યાદવ અને કેએલની કમાલની ભાગીદારી
શરૂઆતમાં બે વિકેટ પડ્યા બાદ સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે કમાલની ભાગીદારી કરીઃ રોહિત શર્મા
રોહિત શર્માએ જીત બાદ કર્યો ખુલાસો
આફ્રિકાને ૧૦૬ રનમાં ઘૂંટણિયે પાડ્યા બાદ રોહિતને લાગી રહ્યો હતો ડર
નવી દિલ્હી,સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટી૨૦ સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો ૮ વિકેટથી વિજય થયો હતો. અતિથિ ટીમ માત્ર ૧૦૬ રનનમાં જ સમેટાઈ હતી, તેની સામે યજમાન ટીમે ૧૬.૪ ઓવરમાં ૧૧૦ રન બનાવી જીત નોંધાવી હતી. સાઉથ આફ્રિકાને ઘૂંટણિયે પાડ્યા બાદ પણ ભારતીય કેપ્ટન રોહિત શર્માને એક વાતનો ડર સતાવી રહ્યો હતો અને આ ખુલાસો તેણે મેચ બાદ કર્યો હતો.
તેણે કહ્યું હતું કે, પિચ પર બેટિંગ કરવી સરળ નહોતી અને વિકેટ લેવાના કારણે તેની ટીમ સફળ રહી હતી. ‘આ પ્રકારની મેચોમાંથી ઘણું શીખવા મળે છે. અમે જાણતા હતા કે, તેનાથી બોલરને મદદ મળશે અને પૂરી મેચમાં પિચ ભેજવાળી રહી હતી. તડકો ન હોવાના કારણે શોટ મારવા મુશ્કેલ થઈ રહ્યા હતા અને બંને ટીમ મેચમાં હતી પરંતુ અમે વિકેટ લીધી હતી, જે મેચ માટે નિર્ણાયક રહી.
અમે જાણતા હતા કે ૧૦૭ રનનો લક્ષ્ય સરળ નહીં હોય અને ક્યારેક-ક્યારેક તમારે પરિસ્થિતિને સમજીને પોતાના શોટ પસંદ કરવા પડે છે. આ સિવાય મેચમાં શાનદાર બેટિંગ કરનારા સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલના પણ તેણે વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે ‘શરૂઆતમાં બે વિકેટ પડ્યા બાદ સૂર્યકુમાર યાદવ અને રાહુલની વચ્ચે જે પ્રકારની ભાગીદારી થઈ તે કમાલની હતી.
શરૂઆતની વિકેટ પડી ગયા પછી, એક છેડો જાળવી રાખવો અને બીજા છેડેથી રન બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જે બંને બેટ્સમેને મળીને કર્યું. જણાવી દઈએ કે, ટી૨૦ સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને સાઉથ આફ્રિકાને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. મેચમાં ટીમ ઈન્ડિયાના બોલર્સે શરૂઆતથી જ કહેર વરસાવવાનું શરૂ કરી દીધું હતું અને અર્શદીપ તેમજ ચહરે સાથે મળીને ૨૦ ઓવરમાં માત્ર ૧૦૬ રન જ બનાવવા દીધા હતા.
અર્શદીપે ત્રણ વિકેટ લીધી હતી, આ સિવાય દીપક અને હર્ષલ પટેલે બે-બે તો અક્ષર પટેલને એક સફળતા મળી હતી. મેચમાં સાઉથ આફ્રિકાના ચાર તેવા બેટ્સમેન હતા, જેઓ ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. હાર બાદ સાઉથ આફ્રિકાના કેપ્ટન તેંબા બાવુમાએ હારનું ઠીકરું બેટ્સમેન પર ફોડતા કહ્યું હતું કે ‘એક ટીમ તરીકે અમે બેટિંગ કરવામાં નિષ્ફળ ગયા. અમે સ્થિતિ પ્રમાણે બેટિંગ કરી ન શક્યા કારણ કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેને તેમ કરી દેખાડ્યું. અમારા બોલરે પ્રયાસ કર્યો પરંતુ બેટ્સમેન રન જ નહોતા કરી શક્યા’.ss1