Western Times News

Gujarati News

ગાંધી જયંતિ નિમિત્તે વ્યસનમુક્તિનો સંકલ્પ અને રાત્રિના સમયે લોકડાયરા યોજાશે

ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર નર્મદા જિલ્લામાં તા.૨ જી થી તા.૮ મી ઓકટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની કરાશે ઉજવણી

સપ્તાહ દરમિયાન તાલુકા મથકો, શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા યુવાનોની ટેબ્લો સાથે રેલી, સાહિત્ય વિતરણ, વ્યસનમુક્તિનો સંકલ્પ અને રાત્રિના સમયે વ્યશનમુક્તિ લોકડાયરા યોજાશે

રાજપીપલા, આગામી તા.૨ જી થી તા.૮ મી ઓકટોબર,૨૦૨૨ દરમિયાન ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના વિકાસમાં આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન અપાવવામાં ગુજરાત રાજ્ય મોખરાના સ્થાને રહ્યું છે.

દારૂનું સેવન તથા બીડી, સિગારેટ સહિત અન્ય કોઇપણ કુટેવોને કારણે થતાં નુકશાન સામે લોકોને જાગૃત્ત કરવા તથા કુટેવોથી મુક્ત કરવા જાગૃત્તિ લાવવાની ઘનિષ્ટ કામગીરી આ સપ્તાહ દરમિયાન કરવામાં આવશે. પ્રતિ વર્ષ આ સપ્તાહ દરમિયાન નર્મદા જિલ્લાના નશાબંધી અધિક્ષકશ્રીઓ ને નશાબંધી મંડળના દ્વારા ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

આ સંદર્ભમાં નશાબંધીનો સંદેશો રાજ્યના છેવાડાના વિસ્તારો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પહોંચે, તેનો ઘનિષ્ટ પ્રચાર થાય તે હેતુથી કામગીરી કરવામાં આવી રહી છે.

“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત આઝાદીમાં નશાબંધી ક્ષેત્રે ગુજરાતે પથદર્શક તરીકેની ભૂમિકા ભજવી હતી. આ બન્નેને સાંકળીને પણ જિલ્લા વહિવટીતંત્રની સમગ્ર ટીમ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી રાષ્ટ્રીય કક્ષાએ યશભાગી થવાનો આ અવસર છે.

ત્યારે નર્મદા જિલ્લામાં તા.૨ જી ઓકટોબર,૨૦૨૨ ના રોજ કુમાર છાત્રાલય રાજપીપલા ખાતેથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવશે. નશાબંધી સપ્તાહ નિમિત્તે યોજવામાં આવનાર સમારંભમાં જિલ્લાના તમામ તાલુકા મથકો, શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા યુવાનોની ટેબ્લો સાથે રેલી,

સાહિત્ય વિતરણ, વિવિધ સંસ્થાઓ-જાહેર સ્થળો પર લોકોને વ્યશનમુક્તિનો સંકલ્પ લેવડાવવો, સાહિત્ય વિતરણ અને રાત્રિના સામયે શહેર-ગામડાઓમાં વ્યશનમુક્તિ લોકડાયરા યોજવામાં આવશે. માદક પદાર્થો, સિગારેટ વગેરેના સેવન ન કરવા અને સેવનથી થતાં નુકસાન અંગે પ્રચારાત્મક સૂત્રો સાથે જાહેર માર્ગો પર પ્રચાર કરવામાં આવશે. તાલુકા પંચાયતોમાં વિવિધ સ્તરોએ મહિલા પ્રતિનિધિઓના સંમેલનો પણ યોજવામાં આવશે.

તાલુકાના વિવિધ ગામોમાં સ્થાનિક ભજનિકો દ્વારા શરાબ, માદક દ્રવ્યો તથા સિગારેટ વગેરે અનિષ્ટોના સેવન ન કરવા માટે જાગૃત્ત કરતા લોકભોગ્ય બોલી અને ભાષામાં ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવશે. નશાબંધી સપ્તાહ દરમિયાન સ્થાનિક લોકો ઉપર પ્રભુત્વ ધરાવતા સંતો-મહંતો પણ નશાબંધીના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

અને તેઓ લોકોને શરાબ, માદક દ્રવ્યો, સિગારેટ વગેરેના સેવનથી મુક્ત થવા અનુરોધ કરશે. નશાબંધી કાર્યક્રમોનું આયોજન જિલ્લા નશાબંધી સમિતિ દ્વારા કરવામાં આવશે. તેમ નશાબંધી અને આબકારી કચેરીના અધિક્ષકશ્રી એસ.ડી. વસાવા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.