વડાપ્રધાન ભરૂચ જીલ્લામાં ૮૨૦૦ કરોડથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ભરૂચ જીલ્લામાં રૂા.૨૫૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવશે રાજ્યનો પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્ક
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં રૂા.૮૨૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.ભરૂચના જંબુસરમાં રૂા.૨૫૦૦ કરોડથી વધુના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું નિર્માણ થશે જેનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૦ મી ઓક્ટોબરના રોજ આમોદ તાલુકાના રેવા સુગરના મેદાન ખાતેથી જાહેરસભા સંબોધી ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ સાથે જ વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. રૂા.૮૨૦૦ કરોડથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સની ભેટ આર્ત્મનિભર ગુજરાતના વિઝનને હાંસલ કરવા માટે,ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગો માટે શ્રેષ્ઠ ઈકોસિસ્ટમ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.તેને અનુરૂપ રાજ્ય સરકાર ભરૂચમાં રૂા.૮૨૩૮.૯૦ કરોડના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાનું આયોજન કરી રહી છે.
જેમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ, ૪ ટ્રાઈબલ પાર્ક,૧ એગ્રો પાર્ક, ૧ સી-ફૂડ પાર્ક, ૧ MSME પાર્ક અને ૨ બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન, ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ, GACL ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, અંકલેશ્વર એરપોર્ટ-ફેઝ-૧ નું ઉદ્ઘાટન, ભરૂચ ભૂગર્ભ ગટર અને STP ના કામોનું લોકાર્પણ, ઉમલ્લા અશા પાણેથા રોડ મજબૂતીકરણ અને IOCL દહેજ કોયલી પાઈપલાઈનના ઉદ્ઘાટન જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ભરૂચમાં રાજ્યનો પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક ભારતને આર્ત્મનિભર બનાવવાના વડાપ્રધાનના વિઝન હેઠળ, બલ્ક ડ્રગ પાર્ક માટેની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના માટે ૨૦૧૫.૦૨ હેક્ટર વિસ્તારમાં રૂા.૨૫૦૦ કરોડના ખર્ચે ગુજરાતની પસંદગી કરવામાં આવી. આ યોજનાનો હેતુ આર્ત્મનિભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાનો છે.
રાજ્યમાં હાલમાં એક્ટિવ ફાર્મા ઈન્ગ્રિડિયન્ટ જેમકે સેફાલોસ્પોરીન્સ, સ્ટેરોઇડ્સ, ઈનઓર્ગેનિક સોલ્ટ, પ્રોટોન પંપ ઈહિબીટર્સ,પીડાનાશક, એન્ટિપ્રાયરેટિક્સ અને પેરાસીટામોલ, ડીક્લોફેનાક સોડિયમ, એસેક્લોફેનાક, આઇબુપ્રોફેન, એન્ટિ-હાયપરટેન્સિવ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ દવાઓ બનાવવામાં આવે છે.પરંતુ આમાંની મોટાભાગની મુખ્ય પ્રારંભિક સામગ્રીની આયાત કરવામાં આવે છે.આ પ્રોજેક્ટથી સપ્લાય ચેઈન સરળ થશે,સાથે જ આયાતની અવેજી માટેનો માર્ગ મોકળો થશે અને ભારત બલ્ક ડ્રગ માટે આર્ત્મનિભર બનશે.