Western Times News

Gujarati News

નડિયાદ ખાતે આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા જિલ્લાકક્ષાનો ભૂલકાં મેળો યોજાયો

જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના હસ્તે કરાયું ભૂલકા મેળાનું ઉદઘાટન

(માહિતી) નડિયાદ, પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ ‘પા પા પગલી’ અંતર્ગત બાળકના સર્વાંગી વિકાસ અને તેનું આકલન (ડેવલોપમેન્ટ એસેસમેન્ટ) કરી વાલીને તે અંગે જાણકારી આપવાની રહે છે. સાથે જ વાલીની બાળ ઉછેરમાં ભૂમિકા સમજાવવી જરુરી હોય છે. આ હેતુસર ખેડા જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા ૧૧ ઓક્ટોબરના રોજ નડિયાદ ખાતે આંબેડકર હોલમાં ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરુઆત પ્રોગ્રામ ઓફિસરશ્રી કમલેશભાઈ પટેલના શાબ્દીક પ્રવચનથી કરવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નયનાબેન પટેલે આંગણવાડી બહેનોની કામગીરી બિરદાવતા કહ્યું કે, આંગણવાડી બહેનો માતા જસોદા સમરૂપ છે. નાના બાળકોને ઘરમાં સંસ્કાર મળે પણ આંગણવાડીમાં સંસ્કારની સાથે શિક્ષા પણ પ્રાપ્ત થાય છે.

આંગણવાડી બહેનો આંગણવાડીમાં આવતા બાળકો સાથે માતાની જેમ રહે બાળકોને રમત -ગમતની સાથે શિક્ષા આપે તેવી અપીલ કરી હતી. ગામડાના બાળકોમાં કેટલીક શક્તિઓ છુપાયેલી હોય છે. એ શક્તિઓ બહાર લાવવાનું કામ આંગણવાડી બહેનોનું છે. સાથોસાથ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ આંગણવાડી બહેનોને ગામડાંનો કોઈ પણ બાળક કુપોષિત ન રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ જણાવ્યું કે, બાળકો આપણા સાથે જે ભાવથી જાેડાય છે તે ઈશ્વરનો ભાવ છે. એટલે બાળકોને તેમની ઇચ્છા પ્રમાણે રમત-ગમતથી માંડીને ઉચ્ચ શિક્ષણ આપવાની વાલીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિનંતી કરી હતી. સાથોસાથ તેમણે આંગણવાડી બહેનોને બાળકોના સાચા મિત્ર છે તેમ જણાવ્યું .

આ ભૂલકાં મેળાનું આયોજન પ્રોગ્રામ ઓફિસરશ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ૩થી ૬ વર્ષના આંગણવાડીના ૧૦૦ બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ મેળામાં ‘પા પા પગલી’ યોજનાના ડિસ્ટ્રિક્ટ પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરો અને બ્લોક પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા વર્કર બહેનોના સહયોગથી લગભગ ૧૭ જેટલી વિવિધ થીમ પ્રમાણે ટીચર લર્નિંગ મટીરીયલ બનાવીને બાળકોને રમત-ગમત સાથે સરળતાથી જ્ઞાન આપવાનો સુંદર મજાની રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવાઈ હતી.

કાર્યક્રમમાં બાળકોને ડ્રોઇંગ બુકની ભેટ આપવામાં આવી હતી. તેમજ પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર અને વર્કર બહેનોને પણ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. ઉપરાંત, બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલી આંગણવાડીના અભ્યાસક્રમ આધારિત જાતે બનાવી શકાય અને ઘરમાં પણ ઉપલબ્ધ હોય તેવી વેસ્ટમાંથી બેસ્ટ સામગ્રીથી શીખવા અને શીખવવાના સાધનો, રમતો બનાવી પ્રદર્શનરૂપે થીમ તૈયાર કરવામા આવી.

જેમા ફળો, શાકભાજી , હું અને મારુ કુટુંભ , મારુ શરીર વગેરે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આમ, ભૂલકાં મેળો બાળકોને ‘ગમ્મત સાથે જ્ઞાન’નું ઉત્તમ દ્રષ્ટાંત બન્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ ચેરમેન શ્રીમતી જશોદાબેન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવે, તેમજ જિલ્લાના બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ, આંગણવાડી બહેનો નાના બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.