દિવાળીની ખરીદી માટે બજારમાં ઘોડાપૂર : મોડી રાત સુધી લોકોની ઊમટતી ભીડ
દરેક ચીજવસ્તુના ભાવ વધી ગયા છતાં ખરીદીનો ઉત્સાહ અને માહોલ બેવડાયા
અમદાવાદ, દિવાળીના તહેવાર આડે ગણતરિના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોનું ઘોડપૂર ઊમટ્યું છે. હાલમાં બજાર મોડી રાત સુધી ધમધમતાં રહે છે. આમ તો આ ભીડ દિવાળીના દિવસ સુધી જાેવા મળતી હોય છે. નવા વર્ષથી લાભપાંચમ સુધી બજારો બંધ રહેશે અને રસ્તાઓ પર નિરવ શાંતિ જાેવા મળશે.
બજારમાં રેડીમેડ કપડાં, ફૂટવેર, મીઠાઈ, ફરસાણ, સુશોભન સહિત વિવિધ ચીજવસ્તુઓની ખરીદીમાં સવારથી મોડી સાંજ સુધી ધમધમાટ છવાયેલો રહે છે. વિવિધ ચીજવસ્તુની ખરીદી માટે બજારમાં હોડ જામી છે. ખાસ કરીને ખરીદી માટેના છેલ્લા દિવસોમાં રેડીમેડ કપડાં, ફૂટવેર અને મીઠાઈની ખરીદીમાં તેજીનો ચમકારો જાેવા મળી રહ્યો છે.
દરેક ચીજવસ્તુના ભાવ વધી ગયા છે છતાં ખરીદીનો ઉત્સાહ અને માહોલ બેવડાયા છે. કારણ કે કોરોનાકાળના કપરા દિવસોનાં અનેક નિયંત્રણો બાદ આ વર્ષે કોઈ જ પ્રતિબંધ વગર લોકોને દિવાળી ઉજવવાનો મોકો મળ્યો છે. તેથી લોકો પણ જાણે કે બે વર્ષનું સાટું વળી રહ્યા હોય તેમ જાેરદાર ખરીદી કરી રહ્યા છે.
સામાન્ય દિવસોમાં રવિવારે બંધ રહેતું બજાર દિવાળીના તહેવારોના પગલે શહેર અને આજુબાજુના ગામડાંના ગ્રાહકોની ભીડથી ધમધમવા લાગ્યું છે. વિવિધ માર્કેટ સહિત શહેરના માર્ગો પર રવિવારે તહેવારને અનુરૂપ ચીજ વસ્તુઓની ખરીદી ફીવર જાેવા મળ્યો હતો.
જ્વેલર્સ એસોસીએશન અમદાવાદના પ્રમુખ જિગર સોનીના જણાવ્યા અનુસાર પુષ્ય નક્ષત્રથી લઈને દરેક દિવસે સોના-ચાંદીમાં સારી ખરીદી જાેવા મળી રહી છે.
દિવાળી પછી લગ્ન સિઝન શરૂ થતી હોવાથી દિવાળીના સાથે લગ્ન સિઝનની પણ લોકો ખરીદી કરી રહ્યા છે. દિવાળીના તહેવારની સાથે ૩૦ ટકા લોકો ઈન્વેસ્ટમેન્ટ માટે સોના-ચાંદીની ખરીદી કરે છે, પરંતુ તેઓ ઘરેણાં કે ચાંદીના વાસણો ખરીદવાનાં બદલે લગડી ખરીદવાનું વધુ પસંદ કરે છે. કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં સોના-ચાંદીની ખરીદી બચતના ભાગરૂપે કરે છે આ રીતે લોકો ધૂમ ખરીદી કરીને તહેવારની ઉજવણી કરતા હોય છે.