નડિયાદ ખાતે ૬૬ કે.વી. મહેશ્વરી સબસ્ટેશનનું ભૂમિપૂજન

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ગુજરાત વિધાસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ મહેશ વાટીકા, નડીયાદ ખાતે કુલ ૪૦૮૯ ચો.મી. એરિયામાં, રૂ. ૩૩૧૫.૨૩ લાખના અંદાજિત ખર્ચે, ૪૫ એમ.વી.એ. સ્થાપિત ક્ષમતા ધરાવતા ૬૬ કે.વી. મહેશ્વરી સબસ્ટેશનનું ખાતમુહૂર્ત અને તખ્તી અનાવરણ કર્યું.
નવા સબ સ્ટેશનમાં ૧૧ કે.વી.ના રામદેવ, વૈશાલી, બજરંગ, ડેરી, મહેશ્વરી, અને વિશ્વકર્માના કુલ ૬ અર્બન ફીડરનો સમાવેશ થાય છે. આ સબ સ્ટેશનથી નડિયાદ શહેરના પશ્ચિમ વિભાગ અને તેની આસપાસના વિસ્તારોમાં ૧૬,૨૫૦ રહેવાસીઓ તથા ૭૫૦ ધંધાદારીઓ એમ કુલ ૧૭,૦૦૦ વીજ ગ્રાહકોને લાભ થશે.
આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે ૬૬ કે.વી મહેશ્વરી સબ-સ્ટેશનથી નડિયાદના પશ્ચિમ વિસ્તારના લોકોના વીજળીની સવિશેષ સુવિધા મળશે. વીજળીને વિકાસનું પાયાનું પરિબળ ગણાવતા પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે ગુજરાત સરકારે ઝૂપડા વીજળીકરણ, કિસાન સૂર્યોદય યોજના, બાયોગેસ પ્લાન્ટ, સોલર વિંડ સહિતની વિવિધ યોજના અને પ્રકલ્પો દ્વારા ખેડૂતો સહિત તમામ સામાન્ય માણસો માટે વીજળીની અનેક સુવિધાઓ પુરી પાડી છે.
છેલ્લા દાયકામાં ઝૂપડા વીજળીકરણ યોજના અંતર્ગત ૩૮ હજારથી વીજ જાેડાણ કનેક્શન, વીજરૂફ ટોપ સહાય અંતર્ગત ૪૦ હજારથી વધુ લોકોને સહાય, ખેડૂતોને સિંચાઈ માટે ૧૩ લાખથી વધુ વીજ કનેક્શન આપીને ગુજરાત રાજ્યમાં સૌથી ઓછા વીજ-પ્રશ્નો ધરાવતું રાજ્ય બન્યું છે. આજે ૨૧૪૩ યુનિટ માથાદીઠ વીજ વપરાશ સાથે ગુજરાત રાજ્યનો નાગરિક સર્વોત્તમ વીજળીનો ઉપભોગ કરી રહ્યો છે.
ઉપરાંત આગામી સમયમાં સોલર વિન્ડપાર્ક યોજના અંતર્ગત કોલસાથી ચાલતા વિવિધ વિજ ઉત્પાદનથી છુટકારો મેળવી સોલર વિન્ડ આધારિત ઇકો ફ્રેન્ડલી ઉર્જાનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવનાર છે એમ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ૬૬ કે.વી મહેશ્વરી સબ-સ્ટેશન માંથી ૧૧ કે.વી.ની ૬ નવી વિજ રેષા કાર્યાન્વીત કરવાનું આયોજન છે. જેથી ૧૩૨ કે.વી. નડીયાદ સબ-સ્ટેશનના વિજભારમાં નોંધપાત્ર ઘટાડો થશે અને હાલના ૧૧ કે.વી. ના ૨ ફીડરના બદલે ૬ નવા ફીડર દ્વારા નડીયાદ શહેરના પશ્ચિમ વિભાગ અને તેમજ તેની આજુબાજુના વિસ્તારોના હાઈ ટેન્શન તેમજ લો ટેન્શનના ઔદ્યોગિક,
વ્યાપારિક તેમજ ઘર વપરાશના કનેક્શનો ધરાવતા ગ્રાહકોને વાણિજ્ય, ઘરવપરાશ માટે, તેમજ ભવિષ્યના વીજ વપરાશકારોને પુરતા વિજ દબાણથી વધુ સાતત્ય પૂર્ણ વિજ પૂરવઠો આપી શકાશે અને વધારે વિજ માંગ સંતોષી શકાશે. હાલમાં ખેડા જિલ્લામાં કુલ ૬૨ સબ સ્ટેશનો કાયાર્ન્વિત છે.
છેલ્લા ૫ વર્ષમાં ખેડા જિલ્લામાં ૨૧ નવા સ્ટેશન કાયાર્ન્વિત કરવામાં આવેલ છે અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૦૪ નવા સ્ટેશન કાયાર્ન્વિત કરવાનુ આયોજન છે.