Western Times News

Gujarati News

ભાવિન પટેલના પરિવારજનોને ૫ લાખનું વળતર ચૂકવવા આદેશ

અમદાવાદ, ૦૧ ઓક્ટોબરના રોજ ગાયની અડફેટે આવી જતાં મોતને ભેટેલા નરોડાના ભાવિન પટેલના પરિવારજનોને પાંચ લાખ રુપિયાનું વળતર ચૂકવવા હાઈકોર્ટે AMCને આદેશ કર્યો છે.

મંગળવારે આ મામલે હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી ૩૫ વર્ષીય ભાવિન પટેલના વારસદારોને તાત્કાલિક વળતર ચૂકવવા જણાવ્યું હતું. કોર્ટે કોર્પોરેશનના વકીલને સીધો જ સવાલ પૂછ્યો હતો કે મૃતકે આખરે કયું પાપ કર્યું હતું? તંત્ર ચૂપચાપ બેસી રહેવાને બદલે આ સમસ્યાનું સમાધાન લાવવા યોગ્ય નીતિ બનાવે.

અગાઉ કોર્પોરેશને ભાવિન પટેલના પરિવારજનોને બે લાખ રુપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી. જાેકે, કોર્ટે જણાવ્યું હતું કે આટલું વળતર પૂરતું નથી અને આ રકમ વધારીને ૫ લાખ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, મૃતક નરોડામાં પોતાની બે દીકરીઓ અને પત્ની સાથે રહેતા હતા.

કોર્ટે કોર્પોરેશનને બુધવાર સુધીમાં જ વળતરની રકમ ચૂકવી દેવા આદેશ કર્યો હતો. કોર્પોરેશનના વકીલે દલીલ કરી હતી કે આવા કેસમાં વળતર આપવાની કોઈ નીતિ નથી, પરંતુ કોર્ટે જણાવ્યું હતું કે કોર્પોરેશન ઢોરને રસ્તા પર છૂટું મૂકી દેનારા વ્યક્તિ પાસેથી આ રકમ વસૂલ કરે, તેમજ આ જવાબદારી કોર્પોરેશનની પણ છે.

હાઈકોર્ટમાં રખડતા ઢોરના ત્રાસ અંગે રાજ્યના વિવિધ ભાગોમાંથી દાખલ થયેલી ઢગલાબંધ પિટિશન પર મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે શહેરી વિકાસ વિભાગના સચિવ મુકેશ કુમાર, AMCના કમિશનર એમ. થેન્નારસન અને રાજ્યના પોલીસવડા આશીષ ભાટિયાને પણ હાજર રહેવા આદેશ કર્યો હતો.

કોર્ટે તમામ અધિકારીઓને રખડતા ઢોરની સમસ્યાને અંકુશમાં લેવા માટે નક્કર નીતિ બનાવવાનું જણાવી વધુ સુનાવણી ૧૫ ઓક્ટોબરે મુકરર કરી હતી. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સાથે જસ્ટિસ એ.જે. શાસ્ત્રીએ આ અંગે અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોની નોંધ લેતા કહ્યું હતું કે રખડતા ઢોરોની સમસ્યા હજુય યથાવત છે, અને તેનો ઉકેલ લાવવા કોર્પોરેશન તરફથી હજુ સુધી કોઈ નક્કર પગલાં નથી લેવાયા.

આ બાબતની કોર્ટ ગંભીર નોંધ લે છે, જે કંઈ યોજનાઓ જાહેર કરવામાં આવી છે તે માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે, પરંગુ પગલાં ભાગ્યે જ લેવાય છે. બીજી તરફ, રાજ્ય સરકાર તરફે હાજર રહેલા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટને ખાતરી આપી હતી કે તમામ અધિકારીઓ સાથે બેસીને આ સમસ્યાનો નિવેડો લાવશે.

ત્યારબાદ ચીફ જસ્ટિસે આશા વ્યક્ત કરી હતી કે જાે આવું થશે તો કોર્ટને કોઈ આદેશ કરવાની જરુર નહીં પડે. કોર્ટે એવું પણ કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે દિવાળીના તહેવારોમાં આવી કોઈ ઘટના બને.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.