DefExpo2022 આવનાર 25 વર્ષોમાં ભારતને સંરક્ષણ ક્ષેત્રે નવી દિશા આપશે: સંરક્ષણ મંત્રી
ગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-2022 નો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરાવ્યો હતો.
મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ તથા સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતીમાં સ્વાગત કરતા કહ્યું કે,તમારી ભૂમિ ગુજરાતમાં હું આપનું સ્વાગત કરું છું. ડાયનેમિક લીડર પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં “પાથ ટુ પ્રાઇડ”ની થીમ સાથે DefExpo2022 શુભારંભ થઈ રહ્યો છે એટલે કે આજ આત્મનિર્ભર, નવું ભારત છે તે આપણા સૌ માટે ગૌરવ સમાન છે .
Showcasing India’s Defence Capabilities To The World. PM Shri @narendramodi To Inaugurate #DefExpo2022 At Gandhinagar. https://t.co/WcS9QK39XL
— Rajnath Singh (@rajnathsingh) October 19, 2022
ગુજરાતમાં આયોજિત સૌથી મોટો DefExpo2022 આવનાર 25 વર્ષોમાં ભારતને સંરક્ષણ ક્ષેત્રે નવી દિશા આપશે. DefExpo શક્તિનું, રાષ્ટ્ર ગૌરવનું પ્રતીક છે તેમ જણાવતા કહ્યું હતું કે,આ DefExpoમાં 300 થી વધુ ભારતીય કંપનીઓ ભાગ લઇ રહી છે જેમાં 80 થી વધુ કંપનીઓ માત્ર ડિફેન્સ ક્ષેત્રે કાર્યરત છે જે આત્મનિર્ભર ભારતનો શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તેમણે કહ્યું હતું કે,DefExpo ભારતની નવી પેઢીને સંરક્ષણ ક્ષેત્રે ઇનોવેશન અને રિસર્ચની સાથે રોજગારીની નવી તકો ઉપલ્બધ કરાવશે. આ સાથે દેશ અને વિશ્વના ઉદ્યોગકારોને ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે રોકાણ માટે આકર્ષશે.આ સિવાય MSME, લઘુ ઉદ્યોગકારો, ખાનગી કંપનીઓને પણ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે રોકાણ માટે કેન્દ્ર સરકાર પ્રોત્સાહિત કરી રહી છે.
ભારતની યુવા પેઢી સંરક્ષણ ક્ષેત્રમાં પણ રિસર્ચ એન્ડ ડેવેલોપમેન્ટમાં નવી ક્ષિતિજો સર કરે તે સમયની માંગ છે. તેમણે ઉમેર્યું કે, DefExpo દરમિયાન છેલ્લા બે દિવસથી 10 આફ્રિકન દેશો સાથે દ્વિપક્ષીય સંવાદ યોજાઈ રહ્યો છે જયારે અન્ય દેશો પણ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે ઉત્સાહી છે.
સંરક્ષણ મંત્રીશ્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે,પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા ભારતની પ્રાથમિકતા રહી છે. આકાશ, ધરતી,અને જળની સાથે ભારત એરો સ્પેસ ક્ષેત્રે પણ પોતાની શક્તિ વધારી રહ્યું છે.મિશન DefSpace અંતર્ગત અવકાશ ક્ષેત્રે ભારત હવે વધુ નવા પડકારો અને તકો સાથે આગળ વધશે.
પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરની સાથે વિશ્વની પાંચમી મજબૂત અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે તેમ જણાવી સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથસિંહે ગુજરાતમાં DefExpo2022ના સફળ આયોજન બદલ ટીમ ગુજરાતનો આભાર માની શુભેચ્છા પાઠવી હતી.