“ગુજરાતનું ગૌરવશાળી શિક્ષણ” વિષયક પરિસંવાદ યોજાયો

નવી શિક્ષણ નીતિમાં સ્કીલ ડેવલોપમેન્ટ પર ભાર મુકીને ભારત વિશ્વગુરુ બને તે દિશામાં સરકારે અભિયાન આદર્યુ છેઃ મંત્રી કિર્તીસિંહ વાઘેલા
(માહિતી બ્યુરો, પાલનપુર) પાલનપુર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને “ગુજરાતનું ગૌરવશાળી શિક્ષણ વિષયક પરિસંવાદ યોજાયો હતો. પાલનપુર ટાઉન હોલ ખાતે ગુરૂજી કી પાઠશાળા દ્વારા આયોજીત આ પરિસંવાદમાં વક્તાઓ દ્વારા શિક્ષણ વિષયક વિસ્તૃત માહિતી અપાઇ હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આપણો દેશ હિન્દુસ્તાન એક સમયે સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપતો હતો. જે રીતે બ્રહ્માંડની કોઇ સીમા નથી તેવી જ રીતે જ્ઞાનની પણ કોઇ સીમા નથી. તેમણે કહ્યું કે વિદેશી આક્રાંતાઓએ આપણી સંસ્કૃતિને તોડવાનું કામ કર્યુ છે છતાં પણ આજે આપણે ટકી શક્યા તેનું એકમાત્ર કારણ જ્ઞાન છે. શિક્ષણમાં રહેલી ત્રુટીઓને કારણે ઘણીવાર અશિક્ષિત વ્યક્તિઓ કરતા પણ શિક્ષિત વ્યક્તિઓને સમસ્યાઓ વધારે હોય છે.
મંત્રીશ્રીએ કહ્યું કે ભૂતકાળમાં ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો ૩૭ ટકા હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કારણે ડ્રોપ આઉટ રેશિયો ઘટીને ૨ ટકાએ પહોંચ્યો છે અને શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે નવી શિક્ષણ નીતિમાં સ્કીલ ડેવલોપમેન્ટ પર ભાર મુકીને ભારત વિશ્વગુરુ બને તે દિશામાં આ સરકારે અભિયાન આદર્યુ છે. દરેક વ્યક્તિ વિશેષ છે તેને ગમે એ પ્રકારનું શિક્ષણ આપી તેને આગળ વધવા સરકાર તક આપી રહી છે. વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપ કરવું હોય તેના માટે પણ સરકારે ઉદાર યોજનાઓ બનાવી છે. તેમણે ભૂતકાળની સરકારો પર પ્રહાર કરતા જણાવ્યું કે આપના બાળકોને ભણવું હતું પરંતુ શૈક્ષણિક વ્યવસ્થાઓના અભાવે બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડતું હતું. તેમણે ઉમેર્યું કે, છેલ્લા ૨૦ માં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે અદ્ભૂત વિકાસ થયો છે.
અંતરીયાળ ગામડાઓમાં શહેરના જેવી શાળાઓ બનાવી છે. પુરતા પ્રમાણમાં શાળાઓના ઓરડાઓ બનાવી રાજ્યમાં ૧.૫૦ લાખ શિક્ષકોની પારદર્શક રીતે ભરતી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ રૂ. ૧૦ હજાર કરોડના શાળાકીય શિક્ષણ વિકાસના કાર્યોનો પ્રારંભ કરાવ્યો છે.
ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આજે રાજ્યમાં ૩૬ મેડિકલ કોલેજાે અને ૯૦ થી વધુ યુનિવર્સિટીઓ કાર્યરત છે. જે પૈકીની ૫ યુનિવર્સિટીઓમાં દેશ- વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સૌએ સાથે મળીને આગળ વધવા તેમણે અપીલ કરી હતી.