ગાળ્યા વગર પાણી પીવા છતા ગામ લોકો બીમાર નથી પડતાં
રાજકોટ, સૌરાષ્ટ્રનીભૂમી સંતોની ભૂમી માનવામાં આવે છે. અને સૌરાષ્ટ્રનાં લોકોને હજુ પણ ઈશ્વર પ્રત્યે અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ છે જસદણ તાલુકાનું બાખલવડ ગામ કે જ્યાં ગામના લોકો જૂની પરંપરાને વળગી રહી આવડ માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાને ટકાવી રાખવા માટે ગામના દરેક લોકો હજુ પણ આલણસાગર તળાવનું પાણી ફિલ્ટર વાળું તો ઠીક પણ સાદા કપડામાં ગાળ્યા વગરનું પાણી પીવે છે.
એટલું જ નહીં આજદિન સુધીમાં ગામના લોકો પીવાના પાણીના કારણે બીમાર પણ પડ્યા નથી. જસદણ તાલુકાથી ૫ કિ.મી. દુર બાખલવડ ગામ આવેલું છે અને ગામમાં આશરે ૧૧૪ વર્ષ પહેલા જસદણનાં પ્રજાવત્સલ રાજવી આલા ખાચરબાપુએ લોકોની સુખાકારી માટે આલણસાગર નામનું તળાવ બંધાવ્યું હતું.
નવાઈની વાતતો છે કે તળાવનું પાણી ગામના લોકો ફિલ્ટર તો ઠીક પણ ઘરનાં લોકોને પીવા માટેનું પાણી સાદા કપડાથી ગાળીને પણ પિતા નથી છતાં ગામમાં પાણીજન્ય રોગચાળો થતો નથી અને સામાન્ય રીતે ફિલ્ટર કર્યા વગરનું પાણી પીવાથી લોકો બીમાર પડે છે એવું લોકો માનતા હોય છે પરંતુ ગામમાં આવેલ આવડ માતાજીના મંદિરની અતુટ શ્રદ્ધાનાં કારણે લોકો પીવાના પાણીને ગાળતા નથી.
ગામના માજી સરપંચ પરશોત્તમભાઈ પલાળીયાએ જણાવ્યું હતું કે ગામમાં આવડ માતાજીનું મંદિર આવેલું છે જે અખૂટ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે.
દાયકાઓથી ગામના લોકો આલણસાગર તળાવનું પાણી ફિલ્ટર કર્યા વગર સીધું ગોળામાં ઠાલવે છે છતાં માતાજી કોઈને બીમાર પડવા દેતા નથી અને જાે ઘરમાં કે દુકાનમાં કોઈ વ્યક્તિ ભૂલથી પણ પાણી ગાળે તો અમારે ભૂલ કબુલ કરવી પડે છે અને આવડ માતાજીને લાપસીનો થાળ ધરવો પડે છે.
પરશોત્તમભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ગામના લોકોની એવી આસ્થા છે કે પાણી ગાળતા નથી એટલે માતાજી અમારી રક્ષા કરે છે. ગામમાં અષાઢી બીજના દિવસે માતાજીને લાપસીનાં આંધણ મૂકી માતાજી પાસે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે એટલે ગામમાં એક પણ ઘર કે દુકાનમાં પાણી ગાળીને પીવાતું નથી.SS1MS