મોરબી પુલ દુર્ઘટનામાં 170ને બચાવી લેવાયા: 152ને સારવાર બાદ રજા અપાઈ
મોરબીમાં મચ્છુ નદી કેબલ બ્રિજ દુર્ઘટના સંદર્ભે રાહત કામગીરી-અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા કરતા આપતિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
મોરબીમાં મચ્છુ નદી કેબલ બ્રિજ તૂટતા બનેલી દુર્ઘટના સંદર્ભે ચાલી રહેલી રાહત કામગીરીની સમીક્ષા માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે આજે આપતિ વ્યવસ્થાપન મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
મંત્રીશ્રી ત્રિવેદીએ બેઠક બાદ SEOC ખાતે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે પુલ તૂટવાની ઘટના બાદ વહીવટી તંત્ર, વિવિધ સુરક્ષા દળો તેમજ સ્થાનિકોની મદદથી ૧૭૦ જેટલા નાગરિકોને બચાવી લેવામાં સફળતા મળી છે જેમાંથી ૧૫૨ને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે. જયારે ૧૭ નાગરીકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૫ના દુ:ખદ અવસાન થયા છે તે તમામની અંતિમવિધિ કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ દુ:ખ વ્યક્ત કરતા ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મોરબીમાં પુલ તૂટવાની દુ:ખદ ઘટનાના સમાચાર મળ્યા બાદ યુદ્ધના ધોરણે વહીવટી તંત્રને બચાવ કામગીરીની સૂચનાઓ આપીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાતભર ચાલી રહેલા બચાવ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન આપી બનતી તમામ મદદ કરી હતી.
પ્રધાનમંત્રીશ્રીએ આ ઘટનાથી વ્યથિત થઈને દુ:ખ વ્યક્ત કરીને બચાવ-રાહત કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી તંત્રને જરૂરી સૂચનાઓ આપી કેન્દ્રીય સુરક્ષા દળોને તાત્કાલિક મોરબી રવાના કર્યા હતા. ઘટનામાં અવસાન પામેલા નાગરિકોનાં પરિવારજનોને વડાપ્રધાનશ્રીની કાર્યાલયમાંથી રૂ. ૨ લાખ તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. ૪ લાખ એમ કુલ- રૂ. ૬ લાખની સહાય ચુકવવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરાઈ છે. જ્યારે ઈજાગ્રસ્તોને કેન્દ્ર -રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૦-૫૦ હજારની સહાય ચૂકવામાં આવી છે.
આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મોરબી મચ્છુ નદીની ઘટનામાં કેબલ બ્રિજ તૂટી જવાના કારણે જે નાગરિકોએ જાન ગુમાવ્યા છે એમને શ્રઘ્ધાંજલી અર્પીને એમના પરિજનોને આવી પડેલ દુ:ખ સહન કરવાની શકિત અર્પે એવી પ્રાર્થના કરી છે.
રાજયનો એક એક નાગરિક વ્યથિત છે ત્યારે રાજય સરકારે પણ મૃતકો પ્રત્યે સંવેદના દાખવવા માટે આવતીકાલે તા. ૨જી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરીને સરકારી કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે તેમજ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ પણ અડધી કાઠીએ ફરકાવાશે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, એનડીઆરએફ, એસડીઆરએફ, સેના IAF, નેવી, કોસ્ટ ગાર્ડ, પોલીસ અને સ્થાનિક વહીવટી ટીમ દ્વારા કરવામાં આવેલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું જેના કારણે અત્યાર સુધી માત્ર બે લોકો લાપતા છે જેમની શોધખોળ ચાલી રહેલી છે. આ ઉપરાંત રાહત કામગીરી માટે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લાઓના અધિકારીઓની વધારાની કુલ ૦૪ ટીમો મોરબી ખાતે નિયુક્ત કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જિલ્લા સ્તર અને રાજ્ય સ્તરના બંને કટ્રોલ રૂમ 24×7 પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જે માટે જિલ્લા કક્ષાનો હેલ્પલાઇન નંબર 02822 243300 અને રાજ્ય કક્ષાનો હૅલ્પલાઇન નંબર 079 232 51900 જાહેર કરવામાં આવ્યો છે. અધિક મુખ્ય સચિવ મહેસૂલ, રાહત કમિશનર અને રાહત નિયામક દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે 24×7 સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.