Western Times News

Gujarati News

પાલડીમાંથી બોગસ કોલ સેન્ટર પકડાયું

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરો પર પોલીસતંત્ર ઉપરાંત અન્ય એજન્સીઓની બાજ નજર રહેલી છે વિદેશી સુરક્ષા એજન્સીઓ પણ સતત ભારત દેશના વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે જેના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અનેક કોલ સેન્ટરો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને વિદેશી નાગરિકો સાથે છેતરપીંડીનું કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાયું છે.

બોગસ કોલ સેન્ટરના આ દુષણને ડામી દેવા માટે સાયબર સેલ સતત એલર્ટ હોય છે અને સોશિયલ મીડિયા પર નજર રાખી વિદેશોમાં થતા ફોન પર નજર રાખવામાં આવી રહી છે આ દરમિયાનમાં શહેરના પાલડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વિદેશમાં કોલ થતા હોવાનું માલુમ પડતા જ સાયબર સેલના અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા અને છેલ્લા બે દિવસથી વોચ બાદ ગઈકાલ મોડીરાત્રે પાલડી વિસ્તારમાં એક નિવાસસ્થાનમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડો પાડી છ શખ્સોને ઝડપી લીધા છે

પ્રાથમિક તપાસમાં અમેરિકા સહિતના દેશોમાં વસતા નાગરિકોને વિવિધ લાલચો આપી તેઓની પાસેથી મોટી રકમ પડાવી હોવાનું ખુલતા જ પોલીસ અધિકારીઓએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તથા કોલ સેન્ટરમાંથી જપ્ત કરાયેલા કોમ્પ્યુટર સહિતના મુદ્દામાલને વધુ તપાસઅર્થે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેર ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી બોગસ કોલ સેન્ટરો દ્વારા વિદેશોમાં વસતા નાગરિકોને લોન અપાવવા ઉપરાંત પ્રિમીયમ ભરવાના બહાને છેતરપીંડી આચરવામાં આવતી હતી.

આ સમગ્ર કૌભાંડ બહાર આવતા જ બંને રાજયોમાં પોલીસે વ્યાપક દરોડા પાડી સંખ્યાબંધ લોકોની ધરપકડ કરી હતી. દરોડાની કાર્યવાહી બાદ મોટા કોલ સેન્ટરો બંધ થઈ ગયા હતા

પરંતુ કેટલાક ભેજાબાજ ગઠીયાઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી હજુ પણ કોલ સેન્ટર ચલાવતા હોવાની વિગતો મળી હતી જેના આધારે અમદાવાદ શહેર પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓ આ ગેરકાયદેસર પ્રવૃતિ પર નજર રાખે છે.

આ દરમિયાનમાં શહેરના પાલડી વિસ્તારમાં ફતેપુરા પાસે અંકુર વિદ્યાલય નજીક પ્રભુપાર્ક સોસાયટીમાંથી છેલ્લા કેટલાક સમયથી સતત વિદેશમાં ફોન થતા હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું સાયબર સેલ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતી હતી બીજીબાજુ અધિકારીઓની ટીમોએ રહેણાંક વિસ્તારમાંથી કોલ સેન્ટર ચાલતુ હોવાની વિગતોના આધારે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કયો હતો.

સાયબર સેલના અધિકારીઓની ટીમોએ પ્રભુ પાર્ક સોસાયટીમાં વોચ ગોઠવી હતી અને તેમાં ૯૧૩ નંબરના મકાનમાં રાત્રિ દરમિયાન શંકાસ્પદ શખ્સોની અવરજવર જાવા મળી હતી. ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવ્યા બાદ ગઈકાલે સાંજથી જ સાયબર સેલના અધિકારીઓ દરોડો પાડવા માટે સક્રિય બન્યા હતા અને મોડી રાત્રે સાયબર સેલના અધિકારીઓ પ્રભુ પાર્ક સોસાયટીમાં પહોંચ્યા હતા જયાં સૌ પ્રથમ ૯૧૩ નંબરના મકાનને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યું હતું.

ત્યારબાદ મોડી રાત્રે અધિકારીઓએ આ મકાનમાં દરોડો પાડતાં અંદરનું દ્રશ્ય જાઈ તેઓ ચોંકી ઉઠયા હતાં ઘરમાં ૬ જેટલા શખ્સો હાજર હતા અને તેઓ સોશિયલ નેટવ‹કગના આધારે સતત વિદેશમાં ફોન કરતા જાવા મળ્યા હતાં. પોલીસને જાતા જ આરોપીઓએ દોડધામ કરી મુકી હતી પરંતુ આ મકાનમાંથી અધિકારીઓએ કુલ ૬ શખ્સોની ધરપકડ કરી હતી તપાસ કરતા આ સમગ્ર ષડયંત્ર સેટેલાઈટમાં રહેતા વિરાજ દેસાઈનું હતું અને તે પોતે પણ દરોડા સમયે હાજર હોવાથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો આ ઉપરાંત નરોડામાં રહેતો સોનુ ઓઝા, રોહિત, મંથન ખટીક, અજીત ચૌહાણ અને પ્રદિપ ચૌધરી નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે છ એ આરોપીઓની પુછપરછ કરતા પ્રાથમિક તપાસમાં જ ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી આરોપીઓ રાત્રિ દરમિયાન જ કોલ સેન્ટર શરૂ કરતા હતા અને અહીયાથી જ ખાસ કરીને અમેરિકામાં વસતા નાગરિકોને ફોન કરી તેઓને લોન અપાવવા ઉપરાંત પ્રીમિયમ ભરાવવાની લાલચ આપવામાં આવતી હતી.

વિદેશી નાગરિકોને લાલચ આપી તેઓની પાસેથી રૂપિયા બેંકના ખાતામાં જમા કરાવવામાં આવતા હતા

છેલ્લા કેટલાક દિવસોથી શરૂ કરાયેલા આ કોલ સેન્ટર મારફતે સંખ્યાબંધ વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સાયબર સેલના અધિકારીઓએ ઘરમાંથી આરોપીઓ પાસેથી  જપ્ત કરેલા ૭ મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ તપાસઅર્થે એફએસએલમાં મોકલી આપ્યો છે.

સાયબર સેલના અધિકારીઓ તમામ છ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.  પાલડી વિસ્તારમાંથી વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી આચરવા માટે શરૂ કરાયેલુ બોગસ કોલ સેન્ટર ઝડપાતા સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ હરકતમાં આવી ગયા હતાં હાલમાં કેટલા નાગરિકો સાથે કેટલી રકમની છેતરપીંડી આચરવામાં આવી છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.