ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારની ૩ વખત અખબારોમાં ગુનાની જાહેરાત કરવી પડશે

ચૂંટણી પંચે ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે એક મહત્વના આદેશની વાત કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે જે રાજકીય પાર્ટીઓના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે તેમણે ૩ વખત અખબારોમાં તેમની સામેના ગુનાની જાહેરાત કરવી પડશે અને પાર્ટીએ કહેવું પડશે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારને ટિકિટ કેમ આપવી પડી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે અને ૧ ડિસેમ્બરે ૮૯ બેઠકો માટે મતદાન થશે, જયારે બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે થશે. બંને તબક્કાના મતદાનની ગણતરી ૮ ડિસેમ્બરે થવાની છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ કેટલાંક ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, એ સિવાયની પાર્ટીએ હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી.
નેશનલ ઇલેકશન વોચ દ્રારા વર્ષ ૨૦૧૭ની વિધાનસભા બેઠકના ઉમેદવારોનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૭૧માં કુલ ૧૮૨ બેઠકો પર ૧૮૦૪ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જેમાંથી ૨૫૨ ઉમેદવારો એવા હતા, જેમની સામે ક્રિમિનલ કેસો નોંધાયેલા હતા. મતલબ કે ૧૪ ટકા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરવાતા હતા. એ ૨૫૨ ઉમેદવારોમાંથી ૩૧ ટકા ઉમેદવારો એવા હતા કે જેમની સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા હતા.
૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ ઉમેદવારોમાંથી ગુનાહીત ઇતિહાસ ધરાવતા ૪૪ ઉમેદવારો ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. મતલબ કે ૨૫ ટકા ક્રિમિનલ ઉમેદવારોને લોકોએ ચૂંટી કાઢ્યા હતા. આ ૪૪માંથી ૩૧ ગંભીર પ્રકારના ગુનામાં સામેલ ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા.
હવે એ જાઇએ કે જે ૩૧ સિરિયસ ક્રિમિનલમાં સામેલ હતા તેમાંથી કઇ પાર્ટીના કેટલાં ઉમેદવાર હતા. તો ભાજપના ૧૨ હતા, કોંગ્રેસના ૧૫, એનસીપીનો ૧, અપક્ષ ૨ અને બીટીપીનો ૧ ઉમેદવાર હતો. હવે તમને એ બતાવીએ કે આમા સૌથી વધારે કેસ કોની સામે થયા હતા.
સૌથી વધારે કેસ બીટીપીના મહેશ છોટુ વસાવા સામે થયા હતા. તેમની સામે ૨૪ કેસ નોંધાયેલા હતા. મહેશ વસાવા ડેડિયાપાડાથી ધારાસભ્ય બન્યા હતા અને માત્ર ૧૦મું ધોરણ ભણેલાં છે. તેમની પાસે ૩.૧૭ કરોડ રૂપિયાની સંપત્તિ હતી.
ભાજપના પાટણના ઉમેદવાર કિરિટ પટેલ સામે ૧૨ કેસો નોંધાયેલા હતા, તેઓ ડોક્ટરેટનું ભણેલા છે અને ૧ કરોડ રૂપિયાના આસામી હતા. એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજા કુતિયાણીથી ચૂંટણી જીત્યા હતા અને તેમની સામે ૧૧ કેસો નોંધાયેલા છે. કાંધલ ૨૮ કરોડના આસામી છે.
ભાજપના ડભોઇના ઉમેદવાર શૈલેશ મહેતા કે જેની સામે ૧૧ ગુના નોંધાયેલા હતા, તે ૧૧ ધોરણ પાસ છે અને ૧૮ કરોડની સંપત્તિ ધરાવતા હતા. કોંગ્રેસના લાઠીના ઉમેદવાર વિરજી ઠુંમર ગ્રેજ્યુએટ છે અને તેમની સામે ૯ કેસ નોંધાયેલા હતા. તેમની સંપત્તિ ૫ કરોડ રૂપિયા હતી.
પુરુષોત્તમ સોલંકી ભાવગનગર રૂરલમાંથી ચૂંટણી જીત્યા હતા અને તેમની સામે ૬ ગુના નોંધાયેલા હતા. તેમની સંપત્તિ ૪૫ કરોડ રૂપિયા હતી. કોંગ્રેસના ઝાલોદના ઉમેદવાર ભાવેશ કટારાની સામે ૬ ગુના નોંધાયેલા હતા અને તે ૧.૨૪ કરોડ રૂપિયાના આસામી હતા