યુવતીને મિત્રતામાં ફસાવી બેંકના પટાવાળાએ રૂ.૧૪ લાખનો ચૂનો લગાવ્યો
યુવતીના ચાર ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયા ઉપાડીને પરત નહીં કરતાં પોલીસ ફરિયાદ
ગાંધીનગર, ગાંધીનગરના પેથાપુર ખાતે આવેલી એક બેંકના પટાવાળાએ અમદાવાદની યુવતીને મિત્રતામાં ફસાવીને લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. યુવતીના અલગ-અલગ ક્રેડિટ કાર્ડમાંથી રૂ.૬.ર૧ લાખ ઉપાડી લીધા બાદ યુવકે પરત ચુકવ્યા ન હતા.
બીજી બાજુ વ્યાજ સાથે બેંકોનું આઉસ્ટેન્ડિંગ બિલ રૂ.૧૩.૭૬ લાખ થયું હતું યુવતીએ નાણા ચુકવી આપવા માગણી કરતા યુવક અને તેના મિત્રે ધમકીઓ આપી હોવાના મામલે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના શાહપુર શિવ શક્તિનગરમાં રહેતી યુવતી બે વર્ષ અગાઉ પેથાપુર એસબીઆઈ બ્રાન્ચમાં ક્રેડિટ કાર્ડ એકિઝકયુટિવ તરીકે કામ કરતી હતી ત્યારે તેનો પરિચય બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરતા અર્જુન ભરતભાઈ રાવળ (રહે. પેથાપુર, રાવળવાસ) સાથે થયો હતો.
અર્જુન રાવળે જાન્યુઆરી-ર૦રરમાં ફોન કરીને ઘરે પ્રસંગ હોવાનું કહીને યુવતી પાસે રૂપિયાની માંગણી કરી હતી યુવતીએ નાણાં નહીં આપતાં અર્જુને ક્રેડિટ કાર્ડ માગ્યા હતા. સમયસર આઉટ સ્ટેન્ડીંગ બિલ ભરી દેવાનો વિશ્વાસ યુવતીએ મિત્રતાના નાતે તેને ત્રણ અલગ અલગ ક્રેડિટ કાર્ડ આપ્યા હતા.
અર્જુને કાર્ડ સ્વાઈપ કરીને રૂ.પ.૦૬ લાખ ઉપાડી તેનું બિલ પણ ભરી દીધું હતું. બાદમાં યુવતીએ રપ હજારની લિમિટ વાળું કોટક બેંકનું કાર્ડ તેને આપ્યું હતું. અર્જુને વાવોલ રહેતા તેના મિત્ર નૈસલ ઉર્ફે નિશાન ઉર્ફે મુન્નાભાઈ મિસ્ત્રી સાથે યુવતીનો પરિચય કરાવ્યો હતો.
નિશાન ફાઈનાન્સનો ધંધો કરતો હોવાનું જણાવીને તેણે અમેરિકન એકસપ્રેસનું ૬ લાખની ક્રેડિટ લિમિટવાળુ કાર્ડ માંગ્યું હતું. આ બંનેએ ભેગા યુવતીના ચાર ક્રેડિટ કાર્ડ મારફતે રૂ.૬.ર૧ લાખ ઉપાડી લીધા હતા. છેલ્લા ત્રણ મહિનાથી આઉટ સ્ટેન્ડિંગ બિલ નહીંભરતા બેંકે યુવતીના સરનામા પર લેટ ફી અને ૩પ ટકા વ્યાજ સાથેનું બિલ મોકલ્યું હતું.
કુલ રૂ.૧૩.૭૬ લાખનું બિલ ભરવા માટેની નોટિસ મોકલ્યા બાદ બેંકે યુવતીને નોટિસ પાઠવી હતી. યુવતીએ નાણાની ઉઘરાણી કરતાં બંને યુવકે જાતિ વિષયક અપશબ્દો બોલી ધમકીઓ આપી હોવાના મામલે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.