Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નિષ્પક્ષ અને નિર્ભિક વાતાવરણ વચ્ચે યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

માહિતી બ્યુરો, પાટણ,  ભારત ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તા.૦૧.૧૨.૨૦૨૨ અને તા.૦૫.૧૨.૨૦૨૨ના રોજ બે તબક્કામાં મતદાન કરવામાં આવશે અને ત્યારબાદ તા.૦૮.૧૨.૨૦૨૨ના રોજ મતગણતરી કરવામાં આવશે.

આજરોજ ગુજરાત વિધાનસભા બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર થતા જ પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કમ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિત સીંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને પ્રેસ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ.

પાટણ જિલ્લામાં તા.૦૫.૧૨.૨૦૨૨ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. જિલ્લામાં ૧૬-રાધનપુર, ૧૭-ચાણસ્મા, ૧૮-પાટણ, ૧૯-સિદ્ધપુર વિધાનસભાની બેઠકો પર ચૂંટણી પ્રક્રિયાની તંત્ર દ્વારા કરાયેલી સર્વગ્રાહી તૈયારીઓ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લાના પત્રકારોને અવગત કરતા જણાવ્યું હતુ કે, જિલ્લામાં લોકશાહીના મહાન પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયા સાગોપાંગ રીતે સફળ બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્રે પુરતી તૈયારીઓ કરી લીધી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે સંપન થાય તે માટે ભારતીય ચૂંટણીપંચના નિર્દેશો અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે.

ચૂંટણીની તારીખ જાહેર થતા જ આયોજીત પ્રેસ પરિષદમાં પત્રકારોને સંબોધતા નાયબ માહિતી નિયામકશ્રી કમ નોડલ ઓફિસર ફોર મિડીયા શ્રી કુલદીપ પરમારે પત્રકારોને આવકાર્યા હતા. ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કમ કલેક્ટરશ્રી સુપ્રિત સીંઘ ગુલાટીએ ચૂંટણીલક્ષી વિગતો પત્રકારોને જણાવી હતી.

તેઓએ ચાર વિધાનસભા બેઠકો સંદર્ભે વિગતો આપતા જણાવ્યુ કે, તા.૦૫.૧૨.૨૦૨૨ના રોજ પાટણમાં યોજાનાર બીજા તબક્કાના મતદાનમાં પાટણ જિલ્લાના ૬૦૪૬૯૪ પુરૂષ મતદાતા, અને ૫૬૭૯૩૨ સ્ત્રી મતદાતા સહિત અન્યમાં ૨૭ એમ કુલ મળીને ૧૧૭૨૬૫૩ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

જિલ્લામાં કુલ ૧૨૩૧ પોલીંગ સ્ટેશન અને ૭૮૫ પોલીંગ સ્ટેશન લોકેશન ઉભા કરાયા છે. તેમજ ૩૨ જેટલા પ્રાઈવેટ પોલીંગ સ્ટેશ પણ ઉભા કરાયા છે જે પાટણ તાલુકામાં છે. જિલ્લામાં કુલ ૭૧૩ સર્વિસ વોટર્સ અને ૧૦૧૪૩ દિવ્યાંગ મતદારો છે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર સહિતની તમામ સહાયક સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી દિવ્યાંગ મતદારો પણ લોકશાહીના મહાન પર્વમાં સહભાગી બની શકે.

સિનિયર સિનિઝન, દિવ્યાંગો તેમજ અન્યોમાં જરૂરિયાત હોય તેવા મતદારો માટે પોસ્ટલ બેલેટ સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવશે, તેમજ જરૂરિયાત હોય તેવા મતદારો માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ વર્ષે ૧૮-૧૯ વર્ષના કુલ ૪૦૦૫૫ એટલે કે ૯.૮૬% મતદારો છે. ૨૦-૨૯ વર્ષના કુલ ૨૭૧૫૩૪ એટલે કે ૩૦% અને ૮૦ ના કુલ ૨૦૬૧૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers