શિક્ષણ સાથે સંસ્કાર સિંચનનું શ્રેષ્ઠ માધ્યમ એટલે ગુરુકુળ – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/11/Rajkot-1-1024x682.jpg)
અમદાવાદ ખાતે સ્વામીનારાયણ ગુરુકુળ, રાજકોટ સંસ્થા દ્વારા નવનિર્મિત ગુરુકુળ શાંતિગ્રામનો સંતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરતા રાજ્યપાલ શ્રી
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે અમદાવાદ ખાતે સ્વામીનારાયણ ગુરુકુળ, રાજકોટ સંસ્થા દ્વારા નવનિર્મિત ગુરુકુળ- શાંતિગ્રામના સંતગણની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રી એ જણાવ્યું હતું કે ગુરુકુળ એ ભારતીય વૈદિક પરંપરા અનુસાર શિક્ષણ સાથે સંસ્કાર સિંચન કરતું શ્રેષ્ઠ વિદ્યાધામ છે.
તેમણે જણાવ્યું હતું કે ગુરુકુળમાં વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસની સાથે આત્મિક વિકાસ પણ થાય છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે 20મી સદીની શરૂઆતમાં સ્વામી શ્રદ્ધાનંદજીએ ગંગા નદીના કિનારે ગુરુકુળ કાંગડીની સ્થાપના કરીને, વૈદિક પરંપરા અનુસારની લુપ્ત થતી ગુરુકુળ શિક્ષણ પદ્ધતિને પુન:જાગૃત કરી હતી. શ્રી ધર્મજીવનદાસજી શાસ્ત્રીજી મહારાજે વર્ષ ૧૯૪૮માં ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં ગુરુકુળની સ્થાપના કરીને આ કાર્યને આગળ ધપાવ્યું
અને સંતોના આશીર્વાદથી ગુજરાતભરમાં 50 જેટલા ગુરુકુળની સ્થાપના કરીને વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કાર સિંચનનો પુરુષાર્થ સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટના માધ્યમથી સ્વામી દેવકૃષ્ણદાસજી અને સંતોના આશીર્વાદથી થઈ
રહ્યો છે.
રાજ્યપાલશ્રી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે મનુષ્ય નિર્માણનું કાર્ય જ સૌથી મોટું પુણ્ય કાર્ય છે અને સદવિદ્યા વિના તે શક્ય નથી. તેમણે ગુરુકુળને સદવિદ્યાનું કેન્દ્ર ગણાવ્યું હતું. રાજ્યપાલશ્રી એ વિદ્યા દાનથી મોટું બીજું કોઈ દાન નથી તેમ જણાવ્યું હતું. શિક્ષણ સંસ્થાનો અને ગુરુકુળના નિર્માણ માટે દાન આપનારા સૌ શ્રેષ્ઠ દાનવીર છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ આ ગુરુકુળના નિર્માણ માટે દાન આપનારા દાનશ્રેષ્ઠીઓનું સન્માન પણ કર્યું હતું.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટ સંસ્થા મહંત શ્રી દેવ કૃષ્ણદાસજીએ વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કારની આવશ્યકતા જણાવી હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા નિષ્કામ ભાવે આ દિશામાં થયેલા પુરુષાર્થને તેમણે પ્રસ્તુત કર્યો હતો.
આ પ્રસંગે શ્રીકૃષ્ણપ્રિયદાસજીએ ગુરુકુળ નિર્માણ માટે આર્થિક સહયોગ આપનારા દાતાઓનો આભાર માન્યો હતો. રાજકોટ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી લાલજીભાઈ પટેલ અને શ્રી રાકેશભાઈ દુધાતે ગુરુકુળ શિક્ષણનો વ્યાપ વધારવા સંતો દ્વારા થઈ રહેલા પ્રયાસો અંગે કૃતજ્ઞભાવ વ્યક્ત કર્યો હતો. આ સમારોહમાં સંત ગણ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.