આ વિસ્તારમાં સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે AAPના ઉમેદવારનો
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત બાદ હવે ઉમેદવારોએ દોડતું ડોર પ્રચાર શરૂ કરી દીધો છે અને ઉમેદવારો પ્રજાની વચ્ચે જઈને મત માગી રહ્યા છે. ત્યારે અમદાવાદના દાણીલીમડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર દિનેશ કાપડિયા જ્યારે તેમના સમર્થકો સાથે દાણીલીમડા વિસ્તારમાં મત માંગવા માટે ઢોલ નગારા સાથે નીકળ્યા હતા.
ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. લોકોએ આપના ઉમેદવારનો વિરોધ કરી અને કોંગ્રેસના નારા લગાવ્યા હતા. સ્થાનિક લોકોએ ત્યાંથી આપ ના ઉમેદવારને સાંભળ્યા પણ ન હતા. તેથી ઉમેદવાર દિનેશ કાપડિયાને ત્યાંથી ચાલતી પકડવી પડી હતી.
જે પણ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર થયા છે, તેઓ દ્વારા હવે પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. લોકોની વચ્ચે જઈ અને ડોર ટુ ડોર કેમ્પેઇન અને મત માગવા જઈ રહ્યા છે. ત્યારે કેટલાક ઉમેદવારોએ પ્રજાના વિરોધનો સામનો પણ કરવો પડે છે.
અમદાવાદની દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ કાપડિયા જાહેર થયા છે. તેઓ દાણીલીમડા વિસ્તારમાં તેમના સમર્થકો સાથે ડોર ટુ ડોર પ્રચાર અને મત માંગવા માટે નીકળ્યા હતા, ત્યારે સ્થાનિક લોકોએ તેઓનો હુરિયો બોલાવ્યો હતો અને કોંગ્રેસના નારા લગાવ્યા હતા.
ઢોલ નગારાં લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દિનેશભાઈના નામની અને આમ આદમી પાર્ટીની જે પણ પત્રિકાઓ વહેંચતા હતા તે પણ સ્થાનિક લોકોને આપી હતી. પરંતુ કોઈ પણ વ્યક્તિએ તેઓની પત્રિકા હાથમાં લીધી ન હતી. આ રીતે વિરોધ થતાં ઉમેદવાર દિનેશ કાપડિયાએ તેમના સમર્થકોની સાથે ત્યાંથી ચાલતી પકડવી પડી હતી. આમ આદમી પાર્ટીનો દાણીલીમડાના લઘુમતી વિસ્તારની અંદર આ રીતે વિરોધ જાેવા મળ્યો હતો.