સુરતના ૯૦ ટકાથી વધારે ઉમેદવારો પાસે કરોડોની સંપત્તિ
સમાજસેવાના વ્યવસાયમાંથી છેલ્લાં પાંચ વર્ષમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે ૫૭ લાખની કમાણી કરી
કતારગામના ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયાએ પરિવારજનો અને પાર્ટનરોને જ દોઢ કરોડની લોન આપી છે
(એજન્સી)સુરત, રાજ્યમાં આગામી પહેલી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આગામી સોમવારે ચૂંટણી માટે ઉમેદવારી કરવાની અંતિમ મુદ્દત છે. સુરતમાં ભાજપ, કોંગ્રેસ, આપના જે કોઈ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેઓએ ઉમેદવારી પત્રક સાથે એફિડેવિટ રજૂ કરી છે.
આ એફિડેવિટનુ એનાલીસીસ કરતા જાણવા મળ્યું કે ૯૦ ટકા ઉમેદવારો પાસે લખલૂટ પૈસો અને કરોડોની સંપતિ છે. રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ વકીલાતને પૂર્ણસમયનો વ્યવસાય ગણાવ્યો છે. પરંતુ જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી વકીલાત સ્થગિત છે અને ધારાસભ્યનું જે ભથ્થુ મળે છે એનાથી જીવન નિર્વાહ ચાલે છે.
જ્યારે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે સમાજસેવાને પોતાનો વ્યવસાય ગણાવ્યો છે. સમાજસેવાના વ્યવસાયમાંથી છેલ્લાં પાંચ વર્ષમાં તેઓએ રુપિયા ૫૭ લાખની કમાણી કરી છે. જ્યારે સૌથી વધુ સંપતિ ધરાવનારા ઉમેદવારમાં આપ પાર્ટીની ટિકીટ પરથી ઉમેદવારી નોંધાવનારા પ્રકાશ કોન્ટ્રાક્ટર છે. તેઓ પાસે રુપિયા ૧૩ કરોડથી પણ વધુની સંપતિ છે, એવો નવગુજરાત સમયનો અહેવાલ છે.
ચોર્યાસી બેઠકના આપના ઉમેદવાર અને પરિવર્તન ટ્રસ્ટથી જાણીતા પ્રકાશ કોન્ટ્રાક્ટરે રજૂ કરેલી એફિડેવિટમાં એવું જણાવ્યું છે કે તેમના પર નોંધાયેલા ફોજદારી ગુનામાં એક કેસ પેન્ડિંગ છે. તેઓએ ૨૦૧૮માં મગદલ્લા રોડ પર આવેલી કલરટેક્સ કંપની દ્વારા ફેલાવાતા પ્રદુષણ સામે આંદોલન છેડ્યુ હતું.
આ આંદોલનને રોયટિંગ ગણીને કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. તો કેટલીક કલમો ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાઢી નાખવામાં આવી છે. પ્રકાશ કોન્ટ્રાક્ટરે પોતાના એફિડેવિટમાં પોતાની પાસે રુપિયા ૧૩ કરોડની મિલકતો છે.
જેમાં જમીન, મકાન હોવાનો નિર્દેશ પણ એફિડેવિટમાં કર્યો છે. પ્રિન્ટિંગ પબ્લિશિંગ અને સ્ટેશનરીનો વ્યવસાય કરતા સુરત પૂર્વના ભાજપના ઉમેદવાર અરવિંદ રાણા અને તેમના પત્ની સ્મોલ સેવિંગ અને ઈન્વેસ્ટમેન્ટનો મોટો પોર્ટફોલિયો ધરાવે છે.
અરવિંદ રાણા અને તેમના પત્ની વિવિધ બેંકોની કુલ ૨૮૧ એફડી ધરાવે છે. કુલ રોકાણ લગભગ ૭૭ લાખથી વધુ છે. બંને મળીને કુલ ૧૮ જેટલા એકાઉન્ટ ધરાવે છે. અરવિંદ રાણા ૧૮ મ્યુચ્યુઅલ ફંડમાં ૩૩.૫૦ લાખ અને તેમના પત્ની ૨૮ મ્યુચ્યુઅલ ફંડમાં રુપિયા ૨૪.૩૦ લાખનું રોકાણ ધરાવે છે.
કતારગામ વિસ્તારના ભાજપના ઉમેદવાર અને સરકારના પૂર્વ મંત્રી વિનુ મોરડિયાએ રજૂ કરેલી એફિડેવિટમાં પોતાનો અભ્યાસ ધોરણ ૧૦ પાસ દર્શાવ્યો છે. ૨૦૨૧-૨૨માં રુપિયા ૧૬.૪૭ લાખની આવક દર્શાવનારા વિનુ મોરડિયાએ એફિડેવિટમાં જણાવ્યું છે કે, અત્યારસુધીમાં તેઓએ પોતાના પરિવારજનો અને પાર્ટનરોને જ રુપિયા દોઢ કરોડની લોન આપી છે.