આપણા દીકરા-દીકરીઓ IAS-IPS બને તેવી મા ખોડલને પ્રાર્થનાઃ નરેશ પટેલ
વર્ષ 2022માં સરકાર નોકરીમાં પસંદ થયેલા શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટના 188 તાલીમાર્થીઓનું ભવ્યાતિભવ્ય સન્માન- હજારો લોકોની સાક્ષીમાં યોજાયો જાજરમાન સન્માન સમારોહ
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટની વેબસાઈટનું રિ-લોન્ચિંગ કરાયું
રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટ (KDVS) માંથી તાલીમ મેળવીને વર્ષ 2022માં સરકારી નોકરીઓમાં પસંદ થયેલા 188 વિદ્યાર્થીઓનો ભવ્યાતિભવ્ય સન્માન સમારોહનું આયોજન 13 નવેમ્બર ને રવિવારે રાજકોટના મવડી-પાળ રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સન્માન સમારોહની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઉપપ્રમુખશ્રી તુષારભાઈ લુણાગરીયાએ હાજર સૌ લોકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
સ્વાગત બાદ સરકારી નોકરીમાં પસંદ થયેલા કુલ 188 તાલીમાર્થી ભાઈઓ-બહેનોને સરદાર વલ્લભભાઈ પટેલની છબી આપીને શ્રી નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ, મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા.
સન્માનિત થયેલા કુલ 188 તાલીમાર્થીઓએ પોલીસ વિભાગ, પીએસઆઈ-એએસઆઈ, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, ટેક્નિકલ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન ક્લાર્ક, આઈટીઆઈ ઈન્સ્ટ્રક્ટર સહિતના અન્ય વિભાગમાં નિમણૂક પામી સમાજ, સંસ્થા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.
કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું અને મોબાઈલમાં ફ્લેશલાઈટ ચાલુ કરી મા ખોડલની આરતી કરવામાં આવી હતી.. આ પ્રસંગે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિની વેબસાઈટ www.kdvsgujarat.orgનું રિ-લોન્ચિંગ શ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે તાલીમાર્થીઓને તાલીમ આપના તમામ ફેકલ્ટીશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને સરકારી નોકરી મેળવી સન્માનિત થનાર તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ પોતાના માર્ગદર્શક એવા શ્રી નરેશભાઈ પટેલનું હાર પહેરાવી સન્માન કર્યું હતું. આ ઉપરાંત તાલીમાર્થીઓએ માર્ગદર્શક પીઆઈશ્રી સંજયભાઈ પાદરીયા અને પોલીસ કોન્સ્ટેબલશ્રી સંજયભાઈ ખાખરીયાનું પણ સન્માન કર્યું હતું.
યુવાનોના માર્ગદર્શક અને શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને બિરદાવતા કહ્યું હતું કે, નવા વર્ષે આ સારી શરૂઆત થઈ છે. વર્ષ 2019ના સન્માન સમારોહમાં 94 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું જ્યારે આ વર્ષે 2022માં બમણા 188 દીકરા-દીકરીઓનું સન્માન કરાયું છે જે આપણા માટે ગૌરવની વાત છે.
આ તમામ તાલીમાર્થીઓને મારા લાખ લાખ અભિનંદન.. આ ઉપરાંત આપણા દીકરા-દીકરીઓ ક્લાસ-3, ડીવાયએસપી સુધી સીમિત ન રહીને IAS-IPS બને તેવી મા ખોડલને પ્રાર્થના કરું છું અને માતા-પિતાને અપીલ કરું છું કે નાનપણથી તમારા દીકરા-દીકરીને આ અંગેનો વિચાર આપો બાકી તેઓની તાલીમ માટે ખોડલધામ હરહંમેશ તૈયાર છે.
પોલીસ, પોલિટિક્સ અને પત્રકારત્વ ક્ષેત્રે યુવાનો આગળ વધે તે માટે ખોડલધામ પ્રયત્નશીલ છે. શ્રી નરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, રાજકોટથી નજીક અમરેલી ગામ પાસે ખોડલધામ શૈક્ષણિક સંકૂલ બનાવવા જઈ રહ્યું છે. આપણા બધા પ્રકલ્પો સર્વ સમાજને સાથે રાખીને પૂરા કરીએ તેવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું.
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટના માર્ગદર્શન પીઆઈશ્રી સંજયભાઈ પાદરીયાએ જણાવ્યું હતું કે, આ સંસ્થામાંથી તાલીમ લઈને અનેક યુવાનો સરકારી નોકરીમાં આરૂઢ થયા છે અને રાજ્યના મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં ફરજો બજાવી રહ્યા છે. આ યુવાનો સમાજને અન્યાય નહીં થવા દે તેની હું ખાતરી આપું છું. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના મંત્રીશ્રી જીતુભાઈ વસોયાએ કરી હતી.
આ સન્માન સમારોહમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન-સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટના કન્વીનરોશ્રીઓ, સહ કન્વીનરોશ્રીઓ, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સભ્યો,
ખોડલધામ શિક્ષણ પાંખ, ખોડલધામ લિગલ સમિતિ, અન્ય સમિતિઓ, સોશિયલ ગ્રુપના સભ્યો, લેઉવા પટેલ સમાજના અટકથી ચાલતા પરિવાર અને સંસ્થાના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓના સન્માનના સાક્ષી બનીને તેઓને શુભેચ્છા પાઠવી હતી.