નારાજ મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે પાટીલે તેમને એરપોર્ટ બોલાવ્યા હતા

(એજન્સી)વડોદરા, ગુજરાતમાં ચૂંટણીની જાેરશોરથી તૈયારી ચાલી રહી છે. પ્રથમ તબક્કાના મતદાન માટે તો દરેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. તો કેટલીક જગ્યાએ ટિકિટ ન મળવા પાર્ટીઓમાં વિરોધ જાેવા મળી રહ્યો છે. આ વચ્ચે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી હતી.
હવે મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો કરી દીધો છે. છ વખત ધારાસભ્ય રહેલા અને વડોદરાના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી નથી. ભાજપની યાદી જાહેર થવાની સાથે મધુ શ્રીવાસ્તવે બળવો શરૂ કરી દીધો હતો.
તેમને મનાવવાના અનેક પ્રયાસો થયાં પરંતુ પાર્ટીને સફળતા મળી નહીં. મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે. મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ તેમની સાથે વડોદરા એરપોર્ટ પર બેઠક કરી હતી.
નારાજ મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે પાટીલે તેમને એરપોર્ટ બોલાવ્યા હતા. બંને વચ્ચે એક કલાકથી વધુ સમય બેઠક ચાલી હતી. પરંતુ પાટીલનો આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સાથે બેઠક બાદ મધુ શ્રીવાસ્તવે પોતાના તેવર જાળવી રાખ્યા છે.