વડાપ્રધાનના કાર્યક્રમને પગલે વલસાડમાં ચાંપતો બંદોબસ્ત

(પ્રતિનિધિ)વલસાડ, વડાપ્રધાનના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. ૧૮ થી ૨૦ નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રચાર અર્થે તા. ૧૯ નવેમ્બરના રોજ બાય રોડ વાપી ખાતે રોડ શો તથા વલસાડ તાલુકાના જુજવા ગામમાં ગ્રીનવુડ ખાતે આયોજિત સભામાં આવનાર છે.
ત્યારબાદ તા. ૨૦ નવેમ્બરના રોજ હેલિકોપ્ટર મારફતે સોમનાથ જનાર છે. વડાપ્રધાનની સભામાં આશરે ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ જેટલી જનમેદની ઉપસ્થિત રહેનાર હોવાની સંભાવના છે. વડાપ્રધાન ઢ અને જીઁય્ સુરક્ષા કવચ ધરાવતા હોવાથી કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે. આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો અવરોધ પેદા કરવા રોડ ઉપર તેમજ આકાશમાં તુક્કલ, ફુગ્ગા, પતંગ, ડ્રોન ઉડાડતા હોય છે.
જેના કારણે દુર્ઘટનાઓ અને અકસ્માત સર્જાવવાના કિસ્સા ઉપસ્થિત થાય છે. કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ થવાના સંજાેગો પણ ઉભા થતા હોય છે. આ સિવાય જાહેરમાર્ગો ઉપરથી અવર જવર કરતા રાહદારીઓને પણ અડચણ થાય છે. તુક્કલ અને પતંગ ઈલેક્ટ્રીક પાવર લાઈન સાથે સ્પર્શ થવાના કારણે જીવલેણ અકસ્માતો પણ બને છે.
જેથી જાહેર સલામતી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા આશયથી તા. ૧૯ નવેમ્બર અને તા. ૨૦ નવેમ્બરના રોજ વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ અડચણ ઉભી ન થાય અને સુરક્ષા જળવાય રહે તે હેતુથી વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે તા. ૧૮ નવેમ્બર થી તા. ૨૦ નવેમ્બર સુધી વલસાડ જિલ્લામાં તુક્કલ, ફુગ્ગા, પતંગ અને ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.