ઓડિશામાં માલગાડી પાટા પરથી ઉતરી ગઇ, બેના મોત

ભુવનેશ્વર, ઓડિશામાં સોમવારની સવારે એક મોટી રેલ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં જાજપુર જિલ્લામાં આવેલા કોરેઇ રેલવે સ્ટેશન પર એક માલગાડી દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. આ દુર્ઘટનામાં ૨ રેલવે કર્મચારીઓના મોત થયા હતા. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ, ઈસ્ટ કોસ્ટ રેલવે હેઠળના કોરાઈ સ્ટેશન પર સોમવારની સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. માલગાડીના વેગન પ્લેટફોર્મ પર બનેલા વેઇટિંગ હોલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન બે મુસાફરો તેની સાથે અથડાયા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
રેલવેના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનાને કારણે બે રેલ લાઈનો બ્લોક થઈ ગઈ હતી. સ્ટેશન બિલ્ડિંગને પણ નુકસાન થયું છે. રાહત ટીમ, રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને કોરાઈ માલગાડી પાટા પરથી ઉતરી જવાના ભોગ બનેલા લોકોના નજીકના સંબંધીઓને ૨ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.
તેમણે વહીવટી તંત્રને બચાવ કાર્ય ઝડપી બનાવવા અને ઘાયલોને પૂરતી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ મંત્રી પ્રમિલા મલિકને ઘટનાસ્થળની મુલાકાત લેવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા જણાવ્યું છે.HS1MS