Western Times News

Gujarati News

ચૂંટણીના માહોલના કારણે ચાર્ટર પ્લેનની ડિમાન્ડ વધી

અમદાવાદ, ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં ભાડાની કારની ડિમાન્ડ વધી હોવાના રિપોર્ટ્‌સ અગાઉ આવ્યા હતા, પરંતુ હવે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ નેતાઓ પહોચી શકે તે માટે ચાર્ટર અને હેલિકોપ્ટરની ડિમાન્ડ પણ વધી ગઈ છે.

ગુજરાતમાં ૧ અને ૫ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થવાનું છે, આ પહેલા રેલીઓ અને સભાઓનો ધમધમાટ શરુ થઈ ગયો છે. ચૂંટણી ગુજરાતમાં છે પરંતુ દેશભરમાંથી પાર્ટીઓના નેતા આવી રહ્યા છે. જેમના માટે ખાસ વ્યવસ્થાઓ પણ રાજકીય પક્ષો દ્વારા ઉભી કરવામાં આવી છે.

આ કારણે ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરની ડિમાન્ડમાં ૫૦ ટકાનો વધારો થયો છે. પાછલા વર્ષોની જેમ નિશ્ચિત ફ્લાઈટમાં મુસાફરી કરવાના બદલે હવે નેતાઓ માટે સ્પેશિયલ ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજ્યની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેમના માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અને આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલ તથા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા ચાર્ટર પ્લેનની માંગમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે નવેમ્બરના પહેલા પખવાડિયામાં અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૪૦૦ જેટલી કોમર્શિયલ ફ્લાઈટે ઉડાન ભર્યું છે. આ પહેલા આખા ઓક્ટોબર મહિના દરમિયાન ૬૦૦ કોમર્શિયલ ફ્લાઈટે ઉડાન ભરી હતી, જેના કરતા આ વખતની સંખ્યામાં ત્રણગણો વધારો થયો છે.

અમદાવાદની એવિએશન ફર્મના એક સિનિયર અધિકારીએ આ અંગે વાત કરતા જણાવ્યું છે કે, “પાછલા મહિને ડિફેન્સ એક્સપોની સાથે કોર્પોરેટ ઈવેન્ટ્‌સના કારણે ચાર્ટર પ્લેનની માંગ રહી હતી, મોટાભાગે ચાર્ટર પ્લેનનો ઉપયોગ રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા ૫ દિવસ નેતાઓ માટે ચાર કલાકના ભાડા પર લેવામાં આવે છે.”

જાે કોઈ પાર્ટી એક દિવસ માટે ચાર્ટર પ્લેન ભાડે કરે છે તો તેની પાછળ ૧૫થી ૩૦ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. અહીં રસપ્રદ વાત એ છે કે પાછલા બે વર્ષમાં ચાર્ટર જેટ અને હેલિકોપ્ટરની માંગમાં અચાનક વધારો થયો છે, કંપનીઓને નવા વિમાન ખરીદવા માટે પ્રેરિત કર્યા છે, કારણ કે તેમની પાસે જેટલા વિમાન છે તે તેમામ બૂક થઈ ગયા છે. આ રીતે સતત માંગ વધતા એવિએશન ફર્મ વિમાનની સંખ્યામાં વધારો કરવા પર વિચાર કરી રહી છે.

ચાર્ટર વિમાનની ફર્મ સાથે જાેડાયેલા એક અધિકારીએ ઉમેર્યું કે, “જાે અત્યારે ઓર્ડર કરવામાં આવે તો આગામી ૨ વર્ષમાં વિમાનની ડિલિવર થઈ શકે છે. ઘણી ફર્મ આ રીતે વિમાન ખરીદવા અંગે વિચાર કરી રહી છે. જાેકે, ત્યાં પણ કિંમતોમાં ૪૦%નો વધારો થયો છે.”

ઘણી રાજકીય પાર્ટીઓએ દિલ્હી અને મુંબઈથી પોતાના ચાર્ટર બૂક કરાવ્યા છે. આ મુદ્દાના જાણકાર સૂત્રોનું કહેવું છે કે, “રાજકીય પાર્ટીઓ જેવી કે કોંગ્રેસ, ભાજપ અને AAP દ્વારા સામૂહિક રીતે ૪થી ૫ એરક્રાઈફ્ટ સ્ટેન્ડબાય રખાયા છે, જેથી કરીને તેનો જરુરી પડે ત્યારે તાત્કાલિક ઉપયોગ કરી શકાય. નેતાઓ ગુજરાતે આવે ત્યારે એરક્રાફ્ટની વ્યવસ્થા માટે દોડાદોડી ના થાય તે માટે અગાઉથી જ વ્યવસ્થા ગોઠવી રાખવામાં આવતી હોય છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.